Porbandar Tourist Places, Diwali Vacation 2025: દિવાળી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે. જો તમે આ દિવાળી પર ગુજરાતમાં ફરવાલાયક સ્થળો શોધી રહ્યા છો તો આ વર્ષે તમે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં રજાઓ વિતાવી શકો છો. અહીં તમને બીચથી લઈને અભયારણ્ય, મહેલ અને મંદિરો સુધી ફરવાલાયક સ્થળો એક જ જગ્યાએ મળી જશે. ચાલો જાણીએ પોરબંદરમાં ફરવાલાયક સ્થળો વિશે.
કિર્તી મંદિર

કિર્તી મંદિર એ મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબા ગાંધીની યાદમાં બનેલા સ્મારક મંદિર છે. ગાંધી પરિવારના પૂર્વજોનું ઘર કે જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો તે કિર્તી મંદિરની નજીક છે. કીર્તિ મંદિરનો શિલાન્યાસ 1947માં ગાંધજીના જીવનકાળ દરમિયાન દરબાર ગોપાલદાસ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. કીર્તિ મંદિર પોરબંદરનું મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. તે 79 ફૂટ ઊંચું છે, જે ગાંધીજીના 79 વર્ષના જીવનનું પ્રતિનિધિત્વ કરે છે.
વિલિંગ્ડન મરીના બીચ - પોરબંદર

જો પોરબંદરની મુલાકાત લેવાનો પ્લાન હોય તો સૌથી પહેલા અહીં આવેલા પોરબંદરના બીચ પર ચોક્કસથી જવું જોઈએ. જે સૌથી વધુ જોવાલાયક સ્થળો પૈકીનું એક છે. વેરાવળ અને દ્વારકા શહેરની વચ્ચે આવેલો આ બીચ તેના શાંત અને આકર્ષક દરિયાઈ મોજા માટે પ્રખ્યાત છે. આ બીચ પાસે આવેલો હુઝુર પેલેસ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં તમે ફિશિંગ અને વોટર સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ પણ કરી શકો છો. પોરબંદર બીચને વિલિંગ્ડન મરીના બીચના નામથી પણ ઓળખવામાં આવે છે.
જાંબુવનની ગુફા

જાંબુવનની ગુફા પોરબંદરના રાણાવાવથી પાંચ કિલોમીટરના અંતરે આદિત્યાણા નજીક બરડા ડુંગરની તળેટીમાં આવેલી છે. અહીં જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્યા નીચે વ્યવસ્થિત પથ્થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ ઓરડો જોવા મળે છે. જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. જાંબુવન ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્થાપના કરી હતી, તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે. તેના પાછળની કહાણી એવી છે કે જાંબુવનનને 108 શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વચન આપ્યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે.
સુદામા મંદિર

સુદામા મંદિર એ સુદામાને સમર્પિત છે જે ભગવાન કૃષ્ણના બાળપણના મિત્ર હતા. સુદામા મંદિરનું નિર્માણ શહેરના કેન્દ્રમાં 1902 અને 1907 માં થયું હતું.તે પોરબંદરના સુંદર બાંધકામોમાંનું એક છે જે હજારો પ્રવાસીઓ અને ભક્તો મુલાકાત લે છે. સફેદ આરસપહાણ સાથે બાંધેલું આ મંદિરમાં ઘણા કોતરવામાં આવેલા સ્તંભો છે જે મંદિરને સુંદર બનાવે છે. આ મંદિરમાં શિખર છે જે ભવ્ય સ્થાપત્ય અને કોતરણીથી શણગારેલું છે. આ કોતરણી સ્તંભો અને મેદાનોથી ઉપર દેખાય છે જે સ્તંભોને જોડે છે. આવા આર્કિટેક્ચર સાથે આ મંદિર સુદામાના મંદિરને સમર્પિત છે.
પોરબંદર પક્ષી અભ્યારણ્ય

પોરબંદરમાં મધ્યમાં આવેલું પક્ષી અભ્યારણ્ય પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં 150થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. તેમાં વિદેશી ઉપરાંત સ્થાનિક પક્ષીઓ અને માઈગ્રેટર પક્ષીઓનો સમાવેશ થાય છે. કેટલાક પક્ષીઓ ઋતુ પ્રમાણે અહીંની મુલાકાત લે છે. શિયાળાની શરૂઆતથી વિદેશી પક્ષીઓના કલબલાટથી આ અભ્યારણ્ય ગુંજી ઉઠે છે. આ અભયારણ્ય માનવી અને કુદરતના સહવસવાટનું બેસ્ટ ઉદાહરણ છે.
સાંદીપની આશ્રમ (શ્રી હરિ મંદિર)

સંદીપનીમાં શ્રી હરિ મંદિર પોરબંદર શહેરથી 5 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિર આજે સૌરાષ્ટ્રના સૌથી ભવ્ય અને સૌથી અનન્ય મંદિરોમાંનું એક છે. તે આધુનિક ભારતની મુખ્ય સંસ્થાઓમાંની એક છે જે ઋષિમુનિઓના વિદ્યાર્થીઓને વૈદિક શિક્ષણનું જ્ઞાન પ્રદાન કરે છે.
ભારત મંદિર

પોરબંદરમાં ભારત મંદિર પણ પ્રખ્યાત છે, તેમાં ભારતીય પરંપરા વિશે ઘણી શિલ્પો, ચિત્રો અને અન્ય કલા હસ્તકલા રાખવામાં આવી છે. આ એક બગીચામાં ફરવાનું એક ઉત્તમ સ્થળ છે. ભારત મંદિરમાં ભારતમાતાની મૂર્તિ નહીં પણ આખા ભારતખંડનો ટોપોગ્રાફિક નકશો જોવા મળે છે. મંદિરના મધ્ય ભાગમાં જયપુરી આરસના પથ્થર પર ભારતના નકશાની કોતરણી કરવામાં આવી છે, જેમાં વિવિધ તીર્થસ્થળો પણ જોવા મળે છે. મંદિરના મધ્યસ્થ ખંડમાં સંતો-મહંતો, યોગ પુરુષો અને રાષ્ટ્રભક્તોની પ્રતિમાઓ કંડારાઈ છે.
હુઝુર મહેલ

હુઝુર મહેલ અથવા હુઝૂર પેલેસ એ પોરબંદરમાં આવેલો એક મહેલ છે. તેનું બાંધકામ પોરબંદર રજવાડાના છેલ્લા મહારાજા રાણા નટવરસિંહજી દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ ઈમારત પર સ્પષ્ટ યુરોપિયન પ્રભાવ જોવા મળે છે. તે અરબી સમુદ્રના કિનારે આવેલો છે. તે બે માળનો છે. તેના આંગણામાં મોટા બે ફાઉન્ટેન અને બગીચો છે.
