HUDAના વિરોધમાં આવતીકાલે હિંમતનગરમાં ખેડૂત મહાસંમેલન યોજાશે, જાણો ક્યા કારણોસર થઇ રહ્યો છે આટલો વિરોધ

30 ઓક્ટોબર ગુરુવારના દિવસે હિંમતનગરના કાંકણોલ ગામમાં ખેડૂત મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં અંદાજે 30,000 કરતાં પણ વધુ લોકો આવશે તેવો અંદાજ છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 29 Oct 2025 01:42 PM (IST)Updated: Wed 29 Oct 2025 01:42 PM (IST)
farmers-convention-to-be-held-in-kankanol-village-of-himmatnagar-on-october-30-in-protest-against-huda-628645

Himmatnagar News: સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં HUDA નો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ તો આ વિરોધ છેલ્લા એક મહિનાથી થઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરે હિંમતનગર માર્કેટ યાર્ડમાં યોજાયેલ જન સંમેલનમાં 10,000 જેટલા લોકો જોડાયા હતા. બીજી ઓક્ટોબરના દિવસે હિંમતનગરના દરેક ગામમાં 'હુડાસૂર'ના પૂતળાનું દહન કરવામાં આવ્યું. 5 ઓક્ટોબરે બેરણા ગામમાં હુડાસૂરના બેસણાનો કાર્યક્રમ થયો હતો. 16 ઓક્ટોબરે હજારોની સંખ્યામાં હિંમતનગરમાં 2 કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

ખેડૂત મહાસંમેલન યોજાશે

30 ઓક્ટોબર ગુરુવારના દિવસે હિંમતનગરના કાંકણોલ ગામમાં ખેડૂત મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં અંદાજે 30,000 કરતાં પણ વધુ લોકો આવશે તેવો અંદાજ છે. આખરે શું છે આ HUDA? હિંમતનગરના લોકો કેમ રસ્તા પર ઊતરી આવ્યા? ખેડૂતો કેમ કરી રહ્યા છે તેનો વિરોધ? HUDA ના ફાયદા અને નુકસાન વિશે આ અહેવાલમાં વિગતે જાણીએ…

HUDA એટલે શું?

HUDA એટલે Himatnagar Urban Development Authority થાય છે. ગાંધીનગરમાં GUDA, વડોદરામાં VUDA, સુરતમાં SUDA, રાજકોટમાં RUDA છે એવી જ રીતે હિંમતનગરમાં હવે HUDA બનવા જઈ રહ્યું છે, જેનો હિંમતનગરના લોકો સખત વિરોધ કરી રહ્યા છે. Urban Development Authority જે ભારતના શહેરોમાં રસ્તા, ગટર, લાઈટ વગેરેનો વિકાસ કરે છે. સત્તામંડળના અધિકારીઓ નગર આયોજન પ્રવૃત્તિમાં રાજ્ય સરકાર સાથે કામ કરે છે.

સામાન્ય ભાષામાં કહેવામાં આવે તો, જ્યારે કોઈ નાનું શહેર મોટું બનતું હોય અને વસ્તી વધતી હોય તેમજ તેનું ક્ષેત્રફળ પણ દિવસે ને દિવસે વધતું હોય છે. તો તે શહેરની આસપાસના વિસ્તારોના વિકાસની જવાબદારી Urban Development Authority ને સોંપવામાં આવતી હોય છે. તેના માટે જે-તે શહેરના નામ સાથે UDAની રચના કરવામાં આવે છે.

જ્યારે શહેરના આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ પણ વિકાસ થઈ જાય ત્યારે જે તે વિસ્તારને શહેરમાં ભેળવી દેવામાં આવતું હોય છે. અને પછી તે વિસ્તારની જવાબદારી UDA થી લઈને શહેરના કોર્પોરેશનને સોંપવામાં આવતી હોય છે, જેમ કે અમદાવાદનો બોપલ વિસ્તાર પહેલાં એ AUDA અંતર્ગત આવતો હતો અને ત્યારબાદમાં તેને અમદાવાદ કોર્પોરેશન હસ્તગત કરી દેવાયો હતો.

UDA ની શું કામગીરી હોય છે?

  • શહેરી વસાહતોની રહેઠાણની જરૂરિયાતો પૂરી કરવાની.
  • પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કરવું.
  • સ્વચ્છતા સમસ્યાઓનું નિરાકરણ કરવું.

જો આ રીતે શહેરનો વિકાસ થતો હોય તો કોઈને શું વાંધો હોઈ શકે? શું કામ કોઈ વિરોધ કરે? પરંતુ તે પાછળના ઘણા કારણો જવાબદાર છે. જેમાં સૌથી મોટું કારણ છે, જે-તે ખેડૂતની 100 ટકા જમીનમાંથી 40 ટકા જમીન પોતાની સહમતીથી UDA ને સોંપી દેવાની રહેતી હોય છે અને એનું કોઈ વળતર પણ નહીં, કારણ કે એમાં વળતરની કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી, એટલે હિંમતનગરના ખેડૂતો અને નાગરિકો વિરોધ કરી રહ્યા છે.

HUDA ને લઈને હિંમતનગરની 11 ગ્રામ પંચાયતના 18 ગામના લોકો સહિત તમામ સમાજના લોકો એનો વિરોધ કરી રહ્યા છે, જેને લઈને 30 ઓક્ટોબરે હિંમતનગરમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં હજારો લોકોનો આવવાનો અંદાજો છે. ખેડૂતોને મોટું સમર્થન મળતાં હાલમાં ગામના આગેવાનોને સંમેલન ન યોજવા દબાણ કરાઈ રહ્યું છે.