Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાએ નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો.
તા. 23 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 20:21 કલાકે રૂપાલ ગામે એક નવજાત બાળક મળી આવ્યાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાંજ તલોદ 108 ટીમ — EMT કરણસિંહ રાઠોડ અને પાયલોટ પરેશ પટેલ — ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. સ્થળ પર પહોંચતા બાળક શ્વાસ લઈ રહ્યું હોવાનું જણાતા ટીમે તાત્કાલિક neonatal resuscitation પ્રક્રિયા હાથ ધરી અને ઓક્સિજન આપી બાળકને તલોદ ચેક પોસ્ટ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
ઉપરી મેડિકલ અધિકારી ડૉ. એમ. આર. પટેલ અને EME જૈમિન પટેલ ના માર્ગદર્શન અનુસાર બાળકને ચીકિત્સા સુવિધા માટે તાત્કાલિક દાખલ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોના માર્ગદર્શન અને 108 ટીમની ઝડપી કાર્યક્ષમતાને લઈ હાલ બાળકની સ્થિતિ સ્થિર અને સ્વસ્થ છે. તાત્કાલિક આરોગ્ય સેવા મળતા ગામના સરપંચ અને સ્થાનિક નાગરિકોએ 108 ટીમ અને આરોગ્ય વિભાગ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. 108 એમરજન્સી સેવા માનવ જીવન બચાવવા માટે રાત્રિ અને દિવસ તત્પર છે, જે રૂપાલ ગામની આ ઘટનામાં ફરી એકવાર સાબિત થઈ છે.

ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 24 કલાકમાં 24 સુરક્ષિત પ્રસુતિઓ કરાઈ
દીપાવલી જેવા આનંદપર્વ દરમિયાન સાબરકાંઠાના આદિજાતિ વિસ્તાર ખેડબ્રહ્મામાં આરોગ્ય વિભાગે માનવ સેવા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફક્ત 24 કલાકના સમયગાળામાં 24 સુરક્ષિત પ્રસુતિઓ સફળતાપૂર્વક કરાવવામાં આવી છે. વનબંધુ વિસ્તારોમાં વસતા નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓની અવિરત સેવા ભાવનાથી માતા અને નવજાત બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સમયસર સારવાર, જરૂરી દવાઓ અને તબીબી દેખરેખ ઉપલબ્ધ રહી હતી, જેના કારણે તમામ પ્રસુતિઓ સુખાકારીપૂર્વક પૂર્ણ થઈ હતી. સ્થાનિક વનબંધુ પરિવારોમાં ખુશીની લાગણી છવાઈ હતી. તથા હોસ્પિટલ સ્ટાફની સેવા પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓના મજબૂત માળખાનું પ્રતિબિંબ છે અને જિલ્લા આરોગ્ય ટીમની પ્રતિબદ્ધતા “સ્વસ્થ સાબરકાંઠા”ના લક્ષ્ય તરફ સતત આગળ વધતી દર્શાવે છે.

