Sabarkantha News: પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં દિવાળીના તહેવાર દરમ્યાન ધાર્મિક કાર્યક્રમને લઈને બે જૂથો વચ્ચે ભારે બબાલ સર્જાઈ હતી. તણાવ એટલો વધી ગયો કે બંને જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં પથ્થરમારો તેમજ હુમલાની ઘટના બની હતી, જેમાં આશરે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પ્રાંતિજ પોલીસ સાથે SP, DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
માહિતી મુજબ, અથડામણ દરમ્યાન 26 કાર, 51 બાઈક, 2 ટેમ્પો, 4 મીની ટેમ્પો અને 3 ટ્રેક્ટર સહિત કુલ 10 મકાનોને પણ નુકસાન થયું છે. અનેક વાહનોમાં આગચંપી તથા તોડફોડ કરવામાં આવી હતી. આ હિંસક બનાવથી ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને લોકોમાં ચિંતાનો માહોલ છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ગામમાં CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, દિવાળી તહેવારને અનુસંધાને યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ બાબતે મતભેદ સર્જાતા બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો, જે પછી હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો. GMRC દ્વારા જણાવ્યું છે કે પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને કોઈ મોટી જાનહાની થઈ નથી. સ્થાનિક પ્રશાસન દ્વારા ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે.

