Sabarkantha: સાંબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર શહેરની આસપાસ આવેલા 11 જેટલા ગામોને હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA)માં સામેલ કરવાની યોજનાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધના ભાગરૂપે આજે HUDA અંતર્ગત આવતા ગામના લોકો દ્વારા કાંકણોલ સ્થિત સ્વાગત પાર્ટીપ્લોટમાં ખેડૂત મહાસંમેલન બોલાવ્યું હતુ. જેમાં વિરોધ કરી રહેલા ગ્રામજનોએ એક જ સુરે HUDA રદ્દ કરવા માટે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
હુડા સંઘર્ષ સમિતિના નેજા હેઠળ કાંકરોલ ખાતે આયોજિત ખેડૂત મહાસંમેલનમાં HUDAનો વિરોધ કરી રહેલા ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો શહેરી વિકાસનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ HUDA અંતર્ગત ટાઉન પ્લાનિંગની સ્કીમની જોગવાઈઓ સામે વાંધો ઉઠાવી રહ્યા છે.
HUDAની જોગવાઈમાં ખેડૂતોની 40 ટકા જમીન નાણાંકીય વળતર વિના જાહેર હિત માટે જઈ શકે તેમ છે. ખેતી અને પશુપાલન પર નભતા અહીંના ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જાય, તો બાકીની 60 ટકા જમીનમાં તેમને આજીવિકા રળવી મુશ્કેલ બની શકે છે. આથી જ ખેડૂતો HUDAનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
આજના ખેડૂત મહાસંમેલનમાં હુડા સંકલન સમિતિના ઉત્સવ પટેલના આહ્વાન પર ઉપસ્થિત ખેડૂતોએ 'જય જવાન જય કિસાન' અને 'HUDA હટાવો, જમીન બચાવો'ના નારા લગાવ્યા હતા.
આ સાથે જ આગામી 15 દિવસમાં HUDAને રદ્દ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો 15 દિવસમાં HUDA રદ્દ નહીં થાય, તો નેતાઓનો ઘેરાવો કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર અને છેક દિલ્હી સુધી જઈને પણ વિરોધ કરાશે.
જણાવી દઈએ કે, સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી બે મહિના અગાઉ જ HUDAનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિનાથી HUDA હટાવવા માટે અલગ-અલગ કાર્યક્રમો થકી 11 ગામના ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
અગાઉ 20 સપ્ટેમ્બરે પણ ખેડૂત મહાસંમેલન મળ્યું હતુ, જેમાં પણ 10 હજારથી વધુ ખેડૂતો જોડાયા હતા. આટલું જ નહીં, દશેરાના પર્વ પર HUDAમાં સામેલ 11 ગામના ખેડૂતોએ HUDAના પૂતળા બાળીને વિરોધ કર્યો હતો. જે બાદ હિંમતનગરમાં કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી. આમ છતાં ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ના લેવામાં આવતા આજે ફરીથી ખેડૂત મહાસંમેલન મળ્યું હતુ.

