Sabarkantha: ચિક્કાર પીધેલા પોલીસ કોન્સ્ટેબલની કારે અકસ્માત સર્જ્યો, એક્ટિવા અને રિક્ષાને ઉલાળ્યા; મહિલા અને બાળક સહિત 8ને ઈજા

વડાલી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ વિજયનગર પોળો ખાતે બંદોબસ્ત પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે પુરપાટ કાર હંકારી અકસ્માત સર્જ્યો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 23 Oct 2025 05:35 PM (IST)Updated: Thu 23 Oct 2025 05:35 PM (IST)
sabarkantha-news-vadali-police-constabel-booked-under-drink-and-drive-due-to-car-accident-625674
HIGHLIGHTS
  • ઈડર-ભિલોડા સ્ટેટ હાઈવે પર ત્રિપલ અકસ્માત
  • કોન્સ્ટેબલની કારમાંથી દારૂની બોટલ મળી

Sabarkantha: ગુજરાતમાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગઈકાલે નવા વર્ષની રાતે આવો જ એક બનાવ સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં દારૂના નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલની કારે ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો. જેમાં 8 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગઈકાલે મોડી રાતના સમયે ઈડર-ભિલોડા સ્ટેટ હાઈવે પરથી પુરપાટ ઝડપે પસાર થતી કારે મોહનપુરાથી લાલપુર જવાના રસ્તે એક એક્ટિવા અને મુસાફરોથી ભરેલી રિક્ષાને અડફેટે લીધી હતી.

બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં ઈડર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે અકસ્માતમાં એક્ટિવા સવાર પરિવાર તેમજ રિક્ષાના મુસાફરો મળીને મહિલા-બાળક સહિત 8 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર ચેતન અસારી વડાલી પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. જે નવા વર્ષે વિજયનગર પોળો ખાતે બંદોબસ્ત પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેણે અકસ્માત સર્જ્યો હતો. ચેતન અસારીની કારમાંથી વોડકા દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા છે. હાલ તો ઈડર પોલીસે ચેતન અસારી વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માતના બે અલગ-અલગ ગુનાઓ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.