Sabarkantha News: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા માસ્ટર આરવ ભારદ્વાજ તેમની 'નાનકડો યોદ્ધા, મોટું લક્ષ્ય — સરદારને સમર્પિત' સાયકલ યાત્રા અંતર્ગત આઠ દિવસની અવિરત યાત્રા બાદ આજે હિંમતનગર ખાતે પહોંચ્યા છે. આવતીકાલે સાંસદ શોભનાબેન બારૈયા સહિતના મહાનુભાવો દ્વારા તેમના આ પ્રવાસને આગળ વધારવા માટે પ્રસ્થાન કરાવવામાં આવશે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP-2025)થી સન્માનિત માસ્ટર આરવ ભારદ્વાજ (ઉંમર 13 વર્ષ) હાલ લોહ પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જયંતિ નિમિત્તે નવી દિલ્હીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધીની પ્રેરણાદાયી સાયકલ યાત્રા પર છે.

આ યાત્રા 19 ઑક્ટોબર 2025ના રોજ નવી દિલ્હીમાં આરંભાયેલી હતી અને દિલ્લી, ગુરુગ્રામ, માણેસર, ધારુહેડા, શાહજહાંપુર, કોટપૂતલી, શાહપુરા, જયપુર, કિશનગઢ,ઉદયપુર માર્ગે વિહરતા હાલ આરવ આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા છે.માત્ર 13 વર્ષની ઉંમરે દેશભક્તિ અને એકતા પ્રત્યે અદમ્ય ભાવના ધરાવતા આરવ એ અગાઉ પણ અનેક ઐતિહાસિક યાત્રાઓ કરી છે.
વર્ષ 2022માં આરવ ભારદ્વાજે સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મ જયંતિ નિમિત્તે મોઇરાંગ (મણિપુર)થી નવી દિલ્હી સુધી 2612 કિ.મી.ની યાત્રા દ્વારા તેઓએ દેશના શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.તેમજ વર્ષ 2024માં કારગીલ વિજય દિવસની 25 મી સિલ્વર જુબલી નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકથી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સુધી 1251 કિ.મી.ની યાત્રા કરી હતી.
આવતીકાલે, તા. 28 ઑક્ટોબર 2025ના રોજ સવારે 9:00 વાગ્યે, હિંમતનગર સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી ડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય,અગ્રણી કનુભાઈ પટેલ, તેમજ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં માસ્ટર આરવ ભારદ્વાજની સાયકલ યાત્રાને આગળના તબક્કા માટે પ્રસ્થાન કરાવવામાં આવશે.

