ભેળસેળિયાઓ સાવધાનઃ સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં પ્રથમવાર ડેરીમાલિક વિરુદ્ધ ગુનો નોંધાયો, એકની ધરપકડ

મનપાની ફૂડ વિભાગની ટીમને સાથે રાખી અડાજણની સુરભી ડેરીના ખટોદરા આઈએનએસ હોસ્પિટલની પાછળ આવેલા સ્ટોરેજ ગોડાઉનમાં રેડ કરી હતી જ્યાંથી 755.621 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 25 Nov 2025 02:59 PM (IST)Updated: Tue 25 Nov 2025 02:59 PM (IST)
surat-news-case-filed-against-dairy-owner-after-cheese-sample-fails-754-kg-surabhi-dairy-cheese-seized-644275

Surat News: સુરતમાં એસઓજી પોલીસની ટીમે અડાજણની સુરભી ડેરીના ખટોદરા ખાતે આવેલા ગોડાઉનમાં અને સાયણ સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે રેડ કરી હતી જ્યાંથી શંકાસ્પદ પનીર જપ્ત કરી નમુના લઈને પરીક્ષણ અર્થે મોકલાયા હતા જેમાં રીપોર્ટમાં નમુના ફેઈલ જતા ડેરીના સંચાલક સામે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે ગત 10 નવેમ્બર 2025ના રોજ મનપાની ફૂડ વિભાગની ટીમને સાથે રાખી અડાજણની સુરભી ડેરીના ખટોદરા આઈએનએસ હોસ્પિટલની પાછળ આવેલા સ્ટોરેજ ગોડાઉનમાં રેડ કરી હતી જ્યાંથી 755.621 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિમંત 1,81,349 રૂપિયા હતી. આ જથ્થા અંગે સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલની પૂછપરછ કરતા ઓલપાડ સાયણ સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતેથી મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું જે બાદ ત્યાં પણ રેડ કરવામાં આવી હતી અને ત્યાં ભાગીદાર સંચાલક કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ મળી આવ્યા હતા.

પોલીસે મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી 58,800 રૂપિયાની કિમંતનું 420 કી.ગ્રા ડીલાઈટ તૈયાર બટર, 43,200રૂપિયાની કિમંતનું 600 લીટર શંકાસ્પદ દૂધ, 13,500 રૂપિયાની કિમંતનું 90 લીટર શંકાસ્પદ તેલ, 4800 રૂપિયાની કિમંતનું 200 કી.ગ્રા. શંકાસ્પદ પનીર તથા પનીર બનાવવા વપરાતું એસીડ 7 લીટર મળી કુલ બંને જગ્યાએથી 3.02 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. બંને જગ્યાએથી મળી આવેલા શંકાસ્પદ પનીર અને અન્ય મુદામાલ ફૂડ સેફટી ઓફિસર દ્વારા સીલ કરી તપાસણી અર્થે જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. દરમ્યાન પનીરના નમુના ફેલ થતા સંચાલકો સામે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો અને નમુના ફેઈલ જતા વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો ખટોદરા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો છે અને બે સંચાલક પૈકી સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવી છે. નજીકના દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે તો એસઓજી પોલીસની ટીમ ખાનગી રીતે જઈને પનીરના નમૂનાઓ લેશે અને તપાસ કરશે અને એમાં કોઈ ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડ કરવામાં આવશે તથા આવા લોકો પર જો વધારે ગુના દાખલ થશે તો પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. સંચાલકની ખટોદરા સ્થિત યુનિટ છે ત્યાં પનીર કઈ રીતે બનાવતા હતા તેની પૂછપરછ માટે આજે ત્યાં લાવેલા હતા અને આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.