Surat News: ઉતરાયણ પર્વને હજી દોઢ મહિના જેટલો સમય બાકી છે ત્યારે સુરતમાંથી પતંગની દોરીના કારણે ગંભીર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉધના દરવાજા બ્રિજ પર પતંગની દોરીના કારણે એક આધેડનું ગળું ચિરાઈ ગયું હતું અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પશુપતિ સિંહ નર્મદા સિંહ જેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેઓ અંકલેશ્વરથી સુરત તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ઉધના દરવાજા બ્રિજ પર પસાર થતી વખતે તેમના ગળામાં અચાનક પતંગની દોરી આવી જતાં તેમનું ગળું ચિરાઈ ગયું હતું. આ ગંભીર ઘટના બનતાની સાથે જ આસપાસના અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેઓ ઈજાગ્રસ્ત પશુપતિ સિંહને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
આધેડને હોસ્પિટલ લાવનાર શાહિદએ જણાવ્યું હતું કે અમને કાકા સિવિલ હોસ્પિટલ વાળા બ્રીજ પર મળ્યા હતા તેમનું ગળું કપાયું હતું અને તેઓને અમે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા અને અહિયાં તેમને એડમિટ કર્યા છે, અમે બ્રીજ પરથી આવતા હતા ત્યારે બ્રીજ પર ટ્રાફિક હતો અને અમે જોયું તો કાકા ત્યાં હતા તેમને દોરી વાગી હતી.

