Surat News: સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જવેલર્સમાં ચોરીની ઘટના બની છે. જો કે કેટલાની ચોરી થઇ છે તે હાલ સામે આવ્યું નથી, પરંતુ તસ્કરોએ પહેલા કપડાની દુકાનમાંથી બાજુમાં આવેલી ચંપલની દુકાનમાં બાકોરું પાડીને પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેમાં બાકોરું પાડીને જવેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ દેખાય આવે છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
બે દુકાનમાં બાકોરું પાડી જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શુરભી કોમ્પ્લેક્સમાં આવેલી ભાવના જવેલર્સમાં ચોરીની ઘટના બની છે. સવારે દુકાન માલિક દુકાને આવ્યા ત્યારે દુકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે તપાસ કરતા કપડાની દુકાનમાંથી બાકોરું પાડી ચોર ઈસમે બુટ-ચંપલની દુકાનમાં પ્રવેશ કર્યો અને બુટ-ચંપલની દુકાનમાં બાકોરું પાડી જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
દુકાનમાં ઘૂસી સીસીટીવી બંધ કરી દીધા
જવેલર્સ માલિક દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા એક ઇસમ દેખાય આવ્યો હતો આ ઉપરાંત ચોર ઇસમેં જવેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ સીસીટીવી પણ બંધ કરી દીધા હતા, દુકાનમાં ચોરી થયા બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે જવેલર્સ માલિકના જણાવ્યા અનુસાર કેટલાની ચોરી થઇ છે તે સ્ટોકની ગણતરી બાદ જ માલુમ પડી શકશે.
સ્ટોક લીધા બાદ ખબર પડશે કે કેટલાની ચોરી થઇ
જવેલર્સ માલિક હેમારામ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે સવારે દુકાન ખોલી ત્યારે અમને ખબર પડ્યું કે લોકર તૂટેલું છે અને અંદર ગયા તો બાથરૂમમાં ટાઈલ્સ તૂટેલી હતી અને કેમેરા ચેક કર્યા તો જોવામાં આવે છે કે એક માણસ મોઢું બાંધેલો હતો અને તે અંદર આવ્યો હતો, અમારી દુકાન ભાવના જવેલર્સ પર્વત પાટિયા સ્થિત શુરભી કોમ્પ્લેક્સમાં આવેલી છે. પહેલા કપડાની દુકાનની દીવાલ તોડી બાદમાં ચંપલની દુકાનમાં દીવાલ તોડી બાદમાં અમારી દુકાનમાં પ્રવેશ્યો છે, સ્ટોક લીધા બાદ ખબર પડશે કે કેટલાની ચોરી થઇ છે. સીસીટીવીમાં એક વ્યક્તિ દેખાય છે. કપડાની દુકાનમાં માણસ રહેતો જ હતો.
ચંપલની દુકાન ચલાવતા ચેતનભાઈ જૈનએ જણાવ્યું હતું કે બાજુની દુકાનમાંથી ચોરએ મારી દુકાનની બંને બાજુની દીવાલ તોડીને ભાવના જવેલર્સમાં પ્રવેશીને ઘટનાને અંજામ આપ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ મારી દુકાનમાં કોઈ નુકશાન નજર આવતું નથી, બાજુમાં કાપડની દુકાન છે તેમાંથી મારી બુટ ચંપલની દુકાનમાં એન્ટ્રી કરી છે અને બાદમાં ભાવના જવેલર્સમાં એન્ટ્રી કરી હતી. દુકાનમાં પાછળની ભાગમાં ફર્નીચરમાં એક વ્યક્તિ આવી જાય એ મુજબ કાણા પાડ્યા છે, જવેલર્સની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં એક વ્યક્તિ દેખાય છે. મારી દુકાન 5 દિવસથી બંધ હતી એટલે કોણ હતું એ હું કહી શકું નહી.

