Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામે એક વાસ્તુ પ્રસંગના જમણવારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બની છે, જેમાં છાશ પીધા બાદ 150થી વધુ લોકોની તબિયત લથડી હતી. આ તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર માટે લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં નાના બાળકો, મહિલાઓ અને યુવકો સહિત મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયા હતા. તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર 150 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તેમને ઝાડા, ઉલટી અને પેટમાં દુ:ખાવા જેવી ફરિયાદ હતી.
ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની હતી અને તાત્કાલિક ગોમટા ગામે પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ છાશના નમૂના એકત્ર કરીને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યા છે, જેથી સાચા કારણ સુધી પહોંચી શકાય.
શરૂઆતમાં કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું, પરંતુ હવે રાહતના સમાચાર છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી જયેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, વઢવાણના ગોમટા ગામે શુભ પ્રસંગના જમણવારમાં આશરે 150 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી, જેમાં ઝાડા-ઉલટી અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ હતી. જેને લઇને અમારી ટીમ તમામ દર્દીઓની તપાસ કરી રહી છે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે અને તેઓ ભયમુક્ત છે.
આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને તેની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આવા પ્રસંગોએ ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવી અત્યંત આવશ્યક છે. આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યું છે અને વધુ તપાસ ચાલુ છે.

