Vadodara News: વડોદરા શહેરમાં વધતી ઠંડી વચ્ચે રાતવાસો કરતા નિર્વાસિત અને શ્રમજીવી લોકોની દયનીય સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. શહેરના જેલ રોડ પર વહેલી સવારે ફૂટપાથ ઉપર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે વૃદ્ધનું મોત કડકડતી ઠંડીના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે અંતિમ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.
ઠંડીનું પ્રમાણ વધ્યું
છેલ્લા બે અઠવાડિયાથી વડોદરા જિલ્લામાં ઠંડીના ચમકારો વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ફૂટપાથ પર રહેતા ભિક્ષુકો તથા શ્રમજીવી લોકો માટે રાત્રિ કપરી બની રહી છે. શહેરના જેલ રોડ વિસ્તારમાં રાતવાસો કરતા એક વૃદ્ધ ઠંડીની અસરને કારણે બેભાન પડી ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાદમાં વહેલી સવારે તેમને મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકોએ શહેરની સર્વો માનવ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. સંસ્થાના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચી બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.
મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
સયાજી હોસ્પિટલમાં પોલીસે જરૂરી પ્રક્રિયા હાથ ધરી છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. સાથે સાથે પોલીસ દ્વારા વૃદ્ધની ઓળખ સ્થાપિત કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોઈ વારસદાર મળે તો તેમને સૂચિત કરવામાં આવશે.
શહેરમાં ઠંડીના કારણે આ પહેલી સંભાવિત મૃત્યુની ઘટના હોવાને કારણે સામાજિક સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત થઈ છે. સેવાકીય સંસ્થાઓએ અને સ્થાનિક નાગરિકોએ મનપાને વિનંતી કરી છે કે ઠંડીના દિવસોમાં ફૂટપાથ પર જીવતા નિર્વાસિત માટે તાત્કાલિક રાત્રી શેલ્ટર, કંબળ અને ગરમ કપડાંની સુવિધાનો વ્યાપ વધારવો જરૂરી છે.
આ ઘટના યાદ અપાવે છે કે શહેરના વિકાસ વચ્ચે પણ ગરીબ અને નિર્વાસિત વર્ગના લોકો માટે શિયાળુ ઋતુ જીવલેણ સાબિત થઈ શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વૃદ્ધના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે, પરંતુ ઠંડીથી બચવા જરૂરી પગલાં લેવાની અતિ આવશ્યકતા આ બનાવે સ્પષ્ટ કરી છે.

