નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનેલી ધો.7માં ભણતી કિશોરીનું વડોદરામાં સારવાર દરમિયાન મોત, પરિવારની ન્યાયની માગ

દુષ્કર્મ બાદ કિશોરીની તબિયત બગડતા પરિવારજનો તેને ઝડપી સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 24 Nov 2025 01:18 PM (IST)Updated: Mon 24 Nov 2025 03:19 PM (IST)
netrang-rape-case-11-year-old-girl-dies-during-treatment-in-vadodara-643561

Vadodara News: નેત્રંગ તાલુકામાં નિર્દોષ 11 વર્ષની ધોરણ 7માં ભણતી કિશોરી પર થયેલી અમાનવીય દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશ ફેલાવતી બની છે. પીડિત કિશોરીનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનું વાદળ છવાઈ ગયું છે. મળતી માહિતી અનુસાર મૃતક કિશોરીના જ ગામમાં રહેતા 20 વર્ષીય નરેશ વસાવાએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.

ખેતરમાં કિશોરીને દોરી જઈ દુષ્કર્મ આચર્યું હતું

માહિતી મુજબ આરોપી નરેશ તેની બહેનને કન્યા છાત્રાલય મૂકવા ગયો હતો ત્યારે માર્ગ વચ્ચે મૃતક કિશોરી મળી આવી હતી. કિશોરી પેટમાં દુખાવાની વાત કરતી હતી જેને કારણે નરેશે સહાયના બહાને તેને તેના ઘરે લઈ જવાની વાત કરી હતી. પરંતુ ઘરે લઈ જવાના બદલે રસ્તામાં આવેલા ખેતરમાં કિશોરીને દોરી જઈ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ કિશોરીની તબિયત બગડતા પરિવારજનો તેને ઝડપી સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

કિશોરીના દાદાનો પોલીસ કર્મી પર ગંભીર આક્ષેપ

ઘટનાને વધુ ચોંકાવનારી બનાવતી વિગતો સામે આવી છે. કિશોરીના દાદાએ આક્ષેપ કર્યો છે કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદાર રાજેશ ઉર્ફે રાજુએ માનવતાને શરમાવે તેવો કૃત્ય કર્યું હતું. પરિવારને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવા બદલે રાજેશે પીડિતાના પરિવારને ત્રણ લાખ રૂપિયા લઈ સમાધાન કરવા દબાણ કર્યું હોવાનું ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

આરોપીને કડક થી કડક સજાની પરિવારની માગ

પરિવારે આ મામલે આરોપી નરેશ વસાવાને કડક થી કડક સજા આપી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. સાથે જ પોલીસ જમાદાર રાજેશ સામે પણ જલદી કાર્યવાહી કરી ન્યાય મળે તેવી માંગણી કરી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને કિશોરીને ન્યાય મળે તે માટે સામાજિક સંગઠનો પણ આગળ આવ્યા છે.

પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તેમજ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. આ હિનસક કૃત્ય માત્ર એક પરિવાર નહિ પરંતુ સમગ્ર સમાજને ઝંઝોડે છે અને નિર્દોષોને ન્યાય અપાવવા તંત્રે કડક પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઈ છે.