Vadodara News: વડોદરા મહાનગર પાલિકાના ‘ગ્રીન સિટી’ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા ઉછાળાતા સામાન્ય સભામાં હંગામો મચી ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ પુરાવા સાથે ભ્રષ્ટાચારના આરોપો મૂકતા મામલો ગરમાયો હતો. જોકે સ્થાયી સમિતિ દ્વારા આ આક્ષેપોને નિરાધાર ગણાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના અનુસાર, શહેરને હરિયાળું બનાવવા માટે પાલિકાએ માનવ સેવા ટ્રસ્ટ નામની સંસ્થાને 5 કરોડ રૂપિયાના ખર્ચે 25 હજાર વૃક્ષો ટ્રી ગાર્ડ સાથે લગાવવા અને ત્રણ વર્ષની જાળવણીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. શરૂઆતમાં સ્થાયી સમિતિએ પ્રતિ વૃક્ષ 1500 રૂપિયા ચૂકવવાનો ઠરાવ કર્યો હતો, છતાં પાછળથી નવી દરખાસ્ત દ્વારા આ દર વધારીને 2000 રૂપિયા કરવામાં આવ્યો. એક વૃક્ષ પાછળ સીધો 500 રૂપિયાનો વધારો કરાઈ કોન્ટ્રાક્ટરને લાભ પહોંચાડ્યાનો કોંગ્રેસનો આરોપ છે. અત્યાર સુધીમાં પાલિકા દ્વારા આ કોન્ટ્રાક્ટરને રૂ.1.30 કરોડ ચૂક્યા છે.
આથી પણ વધુ ગંભીર આક્ષેપ એ છે કે ટ્રી ગાર્ડ પર વીએમસીનું નામ લખવાના બદલે કોન્ટ્રાક્ટરે પોતાની તથા ખાનગી કંપનીઓની જાહેરાતો મૂકીને વધારાની કમાણી કરી છે. પાણી આપવા પ્રતિ વૃક્ષ 2000 રૂપિયા મળતાં હોવા છતાં કોન્ટ્રાક્ટર પાલિકાની જ પાણીની ટાંકીઓનો ઉપયોગ કરી રહ્યો છે, જે પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચેની સાંઠગાંઠની શંકા વધારે છે.
પુષ્પાબેન વાઘેલાએ આક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટર રાજકોટનો મોટો કોન્ટ્રાક્ટર છે અને રાજ્યભરમાં આવા કોન્ટ્રાક્ટ લઈને ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે. બીજી તરફ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ આરોપોને નિરાધાર ગણાવ્યા હતા. તેમણે કોંગ્રેસને પુરાવા આપવા જણાવ્યું અને સંસ્થા સારું કાર્ય કરી રહી હોવાનો દાવો કર્યો છે.

