Vadodara: માલેજ નજીક બુલેટ ટ્રેનની સાઈટ પર અકસ્માત, હાઈડ્રોલિક મશીનનો હુક તૂટીને પડતાં નીચે કામ કરી રહેલા યુવકનું દર્દનાક મોત

સાડા 4 વાગ્યાની આસપાસ હાઈડ્રોલિક મશીનમાં ખામી સર્જાતા તેની સાથે જોડાયેલો હુક તૂટીને નીચે પડ્યો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત શ્રમિકને ગંભીર ઈજા થતાં અન્ય કામદારો હોસ્પિટલ લઈ ગયા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 24 Nov 2025 06:06 PM (IST)Updated: Mon 24 Nov 2025 06:06 PM (IST)
vadodara-news-accident-at-bullet-train-project-site-in-malej-one-dead-643808
HIGHLIGHTS
  • L & T કંપની દ્વારા માલેજ નજીક બુલેટ ટ્રેનનું કામકાજ ચાલી રહ્યું છે
  • રોજગારી અર્થે વડોદરા આવેલા રાજસ્થાનના શ્રમિકને મોત મળ્યું

Vadodara: વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માલેજ સ્થિત સાઈટ પર હાઈડ્રોલિક મશીનનો હુક તૂટીને નીચે કામ કરી રહેલા શ્રમિક પર પડ્યો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, L & T કંપની દ્વારા માલેજ નજીક બુલેટ ટ્રેન માટે કામગીરી ચાલી રહી છે. જ્યાં સાડા ચાર વાગ્યાની આસપાસ હાઈડ્રોલિક મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેની સાથે જોડાયેલ હુક અચાનક નીચે પડ્યો હતો. આ સમયે નીચે કામ કરી રહેલા ઝાવેદ નિઝામુદ્દીનને ગળા અને ખભાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

આથી અન્ય કર્મચારીઓ તાત્કાલિક ઝાવેદને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ઝાવેદનું મૃત્યુ નિપજ્યું હતુ.

બીજી તરફ આ બનાવની જાણ થતાં અટલાદરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક ઝાવેદ મૂળ રાજસ્થાનનો વતની હતો. જે થોડા સમય પહેલા જ રોજગારીની શોધખોળમાં વડોદરા આવ્યા હતા. જ્યાં તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટમાં મજૂરી કરતો હતો.