Vadodara: વડોદરા શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ના હોય તેમ મારામારીની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. આવી જ એક મારામારીની ઘટના કારેલીબાગ વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં બોટલમાં પેટ્રોલ આપવાનો ઈનકાર કરનારા પેટ્રોલ પંપના કર્મચારી પર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, પેટ્રોલ પંપ પર કર્મચારીઓ એક પછી એક વાહનોમાં પેટ્રોલ પુરી રહ્યા છે. આ સમયે બે યુવકો મોપેડ લઈને પેટ્રોલ પુરાવવા માટે આવે છે. જે પૈકી એક યુવક પ્લાસ્ટિકની બોટલ લઈને કર્મચારી પાસે જાય છે અને તેમાં પેટ્રોલ માંગે છે. જો કે પેટ્રોલ પંપ પરનો કર્મચારી કાયદા પ્રમાણે બોટલમાં પેટ્રોલ આપવાનો ઈનકાર કરે છે. જેના પગલે બન્ને વચ્ચે માથાકૂટ થાય છે.
આ સમયે પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ પણ દોડી આવે છે. જેથી બોટલ લઈને આવેલા યુવકનો સાગરિત પણ વચ્ચે પડે છે અને બોલાચાલી કરવા લાગે છે. આ દરમિયાન ઉશ્કેરાઈને પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવા લાગે છે.
આ ઘટનાના પગલે થોડા સમય માટે પેટ્રોલ પંપ પર અફરાતફરી મચી જાય છે. જો કે અન્ય સ્ટાફ વચ્ચે પડીને પેટ્રોલ પંપના કર્મચારીને હુમલાખોર યુવકોની ચુંગાલમાંથી બચાવે છે. જે બાદ બન્ને શખ્સો ઘટના સ્થળેથી ભાગી છૂટે છે.
આ મામલે પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે CCTV ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા હુમલાખોરોને ઓળખવાની કામગીરી હાથ ધરાઈ છે.

