Vadodara News: બકરાવાડીમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળતા નાગરિકોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી

રહેવાસીઓએ અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) સમક્ષ મૌખિક તેમજ લેખિત રીતે રજૂઆત કરી છે, પરંતુ દુર્ભાગ્યે તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 24 Nov 2025 03:06 PM (IST)Updated: Mon 24 Nov 2025 03:06 PM (IST)
vadodara-news-sewage-mixed-water-reaches-homes-public-anger-rising-643648

Vadodara News: વડોદરા શહેરના બકરાવાડી, તારા સો મીલ અને મદનઝાંપા રોડ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી નાગરિકોના ઘરોમાં આવતું પીવાનું પાણી ગંદકીથી ભરેલું આવી રહ્યું છે. પાણીમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી ભળતા રહેવાસીઓમાં આરોગ્ય અંગે ગંભીર ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, લગભગ 7–10 દિવસથી ગટરો નિયમિત ઉભરાઈ રહી છે અને તેનું ગંદુ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. આ ગંદકીના કારણે પીવાના પાણીની લાઇન દૂષિત થઈ રહી હોવાની શંકા નાગરિકોએ વ્યક્ત કરી છે.

પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે

રહેવાસીઓએ અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) સમક્ષ મૌખિક તેમજ લેખિત રીતે રજૂઆત કરી છે, પરંતુ દુર્ભાગ્યે તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. વિસ્તારમાં રહેતા લોકો જણાવે છે કે ગટરની સફાઈ માટે વારંવાર ફરિયાદો છતાં કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યો નથી, જેના કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે.

રોજ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મેળવીએ છીએ

નાગરિકોએ ચિંતાઓ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ગટરમિશ્રિત પાણી પીવાના પાણીની લાઇનોમાં વહી રહ્યું હોવાથી ટાઈફોઇડ, કમળો તથા અન્ય જળજન્ય રોગો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. બાળકો અને વૃદ્ધોમાં આ પરિસ્થિતિ વધુ જોખમકારક સાબિત થઈ શકે છે. “અમે રોજ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મેળવીએ છીએ, આમ આરોગ્ય સાથે ખેલખલ ના ચાલે,” એમ એક રહેવાસીએ આક્રોશ વ્યક્ત કર્યો.

સ્થાનિકોમાં વધતી નારાજગી વચ્ચે નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો તેઓ ઉગ્ર જનઆંદોલન શરૂ કરવાની ફરજ પડશે. “અમારી વાત સાંભળવામાં નહીં આવે તો રસ્તા પર ઊતરવું પડશે,” એમ સ્થાનિકોએ ચેતવણી આપી.

તપાસ કરીને કાયમી સમાધાન લાવવામાં આવે

રહેવાસીઓએ VMCને તાત્કાલિક કાર્યવાહી માટે ત્રણ મુખ્ય માગણીઓ સાથે અપીલ કરી છે. પીવાના પાણીમાં ગટરમિશ્રિત પાણી આવવાની સમસ્યા તરત દૂર કરવામાં આવે, ગટરોની તાત્કાલિક સફાઈ માટે ટીમ મોકલીને સંપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવે, પાણીની લાઇન અને ગટર લાઇન વચ્ચે ક્યાંય ભંગાણ થયું હોય તો તેની તપાસ કરીને કાયમી સમાધાન લાવવામાં આવે.