Vadodara: વડોદરાના વારસિયા વિસ્તારની સિંધુ પાર્ક સોસાયટીમાં ચાલી રહેલા મહિલા જુગારધામ પર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી કુલ 15 મહિલા ખેલીઓને ઝડપી પાડી હતી તથા તેમની અંગજડતી દરમિયાન દાવ પર લગાડેલી રોકડ રકમ તેમજ મોબાઈલ મળી કુલ રૂ.1.03 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સિંધુ પાર્ક સોસાયટીના મકાન નંબર 4 માં એક મહિલા જુગારધામ ચલાવે છે અને બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમાડવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડતા જ મહિલાઓમાં હડકંપ મચી ગયો હતો. અનેક મહિલાઓ ભાગવાનો પ્રયત્ન કરતી હોવા છતાં પોલીસએ તમામ 15 મહિલાઓને પકડી પાડી હતી.
પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલી મહિલાઓમાં નીકીબેન હરેશકુમાર મનવાણી, રાજકુમારી વિષ્ણુભાઈ ઝાઝાની, ચંદાબેન પ્રકાશભાઈ ટોચવાની, હેમાબેન દિલીપભાઈ ચિમનાની, રોરાની કુમારભાઈ સચદેવ, વિનાબેન ઓમપ્રકાશ સલુજા, રાશી મનિષકુમાર તોલાણી, રેખા નરેન્દ્રભાઈ નાનકાણી, નિશા હરિકિશન વસનાની, ચંપાબેન પ્રકાશભાઈ હરચંદાની, રેશ્માબેન રાજેશભાઈ પુરુસવાણી, રૂકમણીબેન કુંદનલાલ વાકવાની, લતા ઉર્ફે દુર સુભાષ લાલવાણી, કોમલબેન ગુલાબભાઈ નાગપાલ અને ચાંદની નરેશકુમાર મલાનીનો સમાવેશ થાય છે.
શાંત વિસ્તારોમાં વધતા જુગારના કિસ્સાઓ સામે પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિકોમાં આશ્વાસન જોવા મળ્યું છે. વારસિયા પોલીસે તમામ મહિલાઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

