Women Cricket: નિઝામપુરાના મહેસાણા નગર ગરબા મેદાનમાં મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હારેલી ટીમનો અન્ય ટીમના સમર્થકો દ્વારા હુરિયો બોલાવતાં મામલો મેદાને પડ્યો હતો અને મહિલા ખેલાડીઓ વચ્ચે મારામારી ઘટના બની હતી. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મહેસાણા નગર ખાતે શક્તિ ક્રિકેટ લીગના નામે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વોર્ડ નંબર 3નાં કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહિલા ક્રિકેટ લીગમાં વિવિધ વિસ્તારની 12 મહિલા ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર-15 વુમન મેચ યોજાઈ હતી. આ મહિલા ક્રિકેટ મેચ સમયે જીતેલી ટીમના સમર્થકોએ હારેલી ટીમનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો.
બંને ટીમ વચ્ચે મારામારી થઇ
ત્યારબાદ મહિલાઓની બે ટીમો વચ્ચે મેદાનમાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ખેલાડીની સાથે બંને ટીમના સમર્થકોએ પણ ઝંપલાવ્યું હતું. બંને ટીમના સમર્થકો દોડી આવ્યા હતા અને એકબીજા પર પથ્થરો શરૂ કર્યો હતો. કેટલીક મહિલાઓએ દંડા લઈ એકબીજા પાછળ દોડતી જોવા મળી હતી. તેમજ એકબીજાના ચોટલા ખેંચતી પણ નજરે પડી હતી. ઘટનાને પગલે રહીશો દોડી આવ્યા હતા અને મામલો શાંત કરવા પોલીસની મદદ લેવામાં આવી હતી.
વિડિયો વાયરલ થયો
લીગ આયોજક-કોર્પોરેટર રૂપલ મહેતાએ જણાવ્યું કે, મહિલા ક્રિકેટ લીગમાં મારામારીના વીડિયો વાઇરલ થયા હતા. મેદાનની બહાર કંઈ થયું હોય તો જાણ નથી. તેમની વચ્ચેની મેટર હોય શકે. મેચ બાદ એવોર્ડ વિતરણ કરાયું ત્યાં સુધી ઘટના બની હોવાનું મારા ધ્યાનમાં નથી.
અંડર 15 વુમનની બે ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જે પૈકી પ્રતાપગંજની શંકર ચાલની ટીમ હતી, સામે અક્ષરચોક વિસ્તારની ટીમ હતી. બંનેના સમર્થકો ત્યા હાજર હતા. છેલ્લી ઓવરની રસાકસી વચ્ચે હારવા આવેલી ટીમનો અન્ય ટીમના સમર્થકો ચીચિયારી પાડી હુરિયો બોલાવતા હતા. જેથી હારેલી ટીમમાં ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. મેચ પૂરી થતાં બંને ટીમના ખેલાડીઓ અને સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી.

