Mumbai Valsad Train Fire News: મુંબઈ સેન્ટ્રલથી વલસાડ તરફ જઈ રહેલી ફાસ્ટ પેસેન્જર ટ્રેન (નંબર 59023)ના એન્જિનમાં ગઈકાલે સાંજે 7:56 વાગ્યે અચાનક આગ લાગતા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે, ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે, આ ઘટનાના કારણે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર એકથી ત્રણ કલાક સુધી ખોરવાઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેન કેલવે રોડ સ્ટેશન નજીક પહોંચી ત્યારે અચાનક એન્જિનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઓવરહેડ ઈલેક્ટ્રિક (OHE) સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનાને પગલે વલસાડ અને સુરત રેલવે સ્ટેશન પર તાત્કાલિક હેલ્પલાઇન ડેસ્ક ઊભા કરવામાં આવ્યા હતા, જેથી મુસાફરોને જરૂરી માહિતી અને મદદ પૂરી પાડી શકાય. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સામાન્ય બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં, ટ્રેન કેલવે રોડ સ્ટેશન પર ઊભી છે અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ ઘટનાના કારણે મુંબઈથી સુરત અને અમદાવાદ તરફ જતી ઘણી ટ્રેનોના સમયપત્રક પર ગંભીર અસર પડી છે. સુવર્ણ મંદિર મેઇલ, રાજધાની એક્સપ્રેસ, જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનોને જુદા જુદા સ્ટેશનો પર ટૂંકાવવામાં આવી છે અથવા અટકાવી દેવામાં આવી છે. રેલવે અધિકારીઓએ મુસાફરો માટે વધારાની બસ સેવાઓની વ્યવસ્થા પણ કરી છે, જેથી તેઓ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.
આ ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી માત્ર 17 દિવસ પહેલાં જ મુંબઈ-સુરત રૂટ પર બોઈસર અને વનગાંવ વચ્ચે ઓવરહેડ ઉપકરણ (OHE)માં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રેલવે સત્તાવાળાઓએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ ટ્રેન સેવાઓ પૂર્વવત કરી દેવામાં આવશે.

