Valsad News: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દમણ અને વાપીમાં મોટા પાયે ચાલી રહેલા મેફેડ્રોન (MD) ઉત્પાદન અને સંગ્રહ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 5.9 કિલોગ્રામ મેફેડ્રોન, આશરે 300 કિલોગ્રામ રો-મટીરીયલ અને ડ્રગ્સ બનાવવા માટેના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા મેફેડ્રોનની કિંમત આશરે 30 કરોડ રૂપિયા અંદાજવામાં આવી રહી છે. આ ડ્રગ્સ મુંબઈમાં વેચાણ માટે તૈયાર કરાઈ રહ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ATS ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે, વલસાડના વાપી ખાતે રહેતા મેહુલ ઠાકુર, વિવેક રાય અને મોહનલાલ પાલીવાલ નામના ઈસમો વાપી ટાઉનમાં આવેલા મોહિદ ટાવર નજીકના મનોજસિંગ ઠાકુરના બંગલામાં મેફેડ્રોનનો વેપાર કરે છે. વધુમાં, આ ઈસમો દમણના બામણપૂજા સર્કલ નજીક આવેલા એક ફાર્મહાઉસમાં મેફેડ્રોનનું ઉત્પાદન કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ માહિતીને આધારે, ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પો.વા.સ.ઈ. આર. સી. વઢવાણા દ્વારા ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી માહિતી વિકસાવવામાં આવી હતી. દમણ પોલીસ ક્રાઈમબ્રાંચ સાથે માહિતી શેર કરીને બામણપૂજા ખાતેના ફાર્મહાઉસની સ્પષ્ટ ઓળખ કરવામાં આવી હતી. ચોક્કસ ઇન્ટેલિજન્સના આધારે, નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીના નેતૃત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. સોલંકી, પો.સ.ઈ. બી.ડી. વાઘેલા, પો.સ.ઈ. અજય ચૌધરી, પો.સ.ઈ. મયુર સોલંકી, પો.સ.ઈ. એમ.એમ. ગઢવી અને સ્ટાફના માણસો, દમણ પોલીસ અને વલસાડ SOGની ટીમે તા. 02/10/2025ના રોજ વાપીના ચલા અને દમણના ફાર્મહાઉસ ખાતે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દરોડા દરમિયાન, દમણના ફાર્મહાઉસમાં માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાયું હતું. વાપી ખાતેના મનોજસિંગના મકાનમાંથી 5.9 કિલોગ્રામ મેફેડ્રોન (ઘન અને પ્રવાહી સ્વરૂપમાં) મળી આવ્યું હતું. આ ઉપરાંત, બામણપૂજા ખાતેના ફાર્મહાઉસમાંથી આશરે 300 કિલોગ્રામ રો-મટીરીયલ અને મેફેડ્રોન ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાયેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતના ઉપકરણો મળી આવ્યા હતા. તમામ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે.
આ દરોડામાં મોહન નારાયણલાલ પાલીવાલ (રહે. ચલા, વાપી-વલસાડ)ની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી છે. જોકે, અન્ય બે આરોપીઓ મેહુલ રજનેતસિંઘ ઠાકુર (રહે. વાપી-વલસાડ) અને મદદગાર કેમિસ્ટ વિવેક બલેન્દ્ર રાય (રહે. ગાયત્રીનગર, છીરી, વાપી-વલસાડ) હાલમાં ફરાર છે. પકડાયેલા આરોપી મોહન પાલીવાલની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી મેહુલ ઠાકુર, કેમિસ્ટ વિવેક રાય અને મોહન પાલીવાલે મળીને છેલ્લા 3-4 મહિનાથી દમણના બામણપૂજા સર્કલ નજીકના ફાર્મહાઉસમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન તૈયાર કરવા માટે રો-મટીરીયલ અને સાધન-સામગ્રી એકત્રિત કરી રાસાયણિક પ્રક્રિયા કરતા હતા. તૈયાર થયેલ મેફેડ્રોનનો સંગ્રહ વાપીના ચલા ખાતેના પોતાના રહેણાંક મકાનમાં કરી વેચાણ શરૂ કર્યું હતું.
તમામ આરોપીઓ વિરુદ્ધ ATS પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તપાસ ચાલુ છે કે આરોપીઓ કેટલા સમયથી આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતા, ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (MD) કઈ-કઈ જગ્યાએ અને કોને વેચવામાં આવ્યું હતું, તેઓને નાણાં કઈ રીતે મળતા હતા અને આ નાર્કોટિક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ વ્યક્તિઓ સામેલ છે. આરોપી મોહન નારાયણલાલ પાલીવાલનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તે અગાઉ NDPS અધિનિયમ હેઠળ બે કેસમાં ધરપકડ કરાયો હતો અને હાલમાં પેરોલ જમ્પ કરીને ફરાર હતો.

