Gir Somnath: આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ વખતે દરિયાની ઊંચી લહેરો 5 જણાંને તાણી ગઈ, કન્યાની બહેન પાણીમાં લાપત્તા

લાપત્તા બનેલી યુવતી જ્યોતિ પરમારની માસીની દીકરીના લગ્ન લેવાયા હોવાથી વર અને કન્યા પક્ષના લોકો ગ્રુપમાં આદરી બીચ પર ફોટોશૂટ માટે આવ્યા હતા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 07 Nov 2025 04:55 PM (IST)Updated: Fri 07 Nov 2025 05:14 PM (IST)
gir-somnath-news-girl-drown-in-adri-beach-during-pre-wedding-photoshoot-633994
HIGHLIGHTS
  • દરિયામાં તણાયેલી યુવતીની યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ
  • વેરાવળ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ 4 યુવકોને બહાર કાઢતા માંડ બચ્યા

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરી રહેલા પાંચ જેટલા લોકોને દરિયો ખેંચી ગયો હતો. જે પૈકી 4 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે, જ્યારે લાપતા યુવતીની શોધખોળ ચાલી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વેરાવળના આદરી ગામમાં આવેલા રમણીય બીચ પર યુવક-યુવતીઓનું ગ્રુપ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે આવ્યું હતુ. આ ગ્રુપ બીચ પર ફોટોશૂટ કરી રહ્યા હતા, ત્યારે જ દરિયાની ઉછળેલી ઊંચી લહેરોએ પાંચેય જણાને પોતાની સાથે પાણીમાં ખેંચી ગઈ હતી.

આ ઘટનાના પગલે બીચ પર રહેલા પ્રવાસીઓ અને ગ્રુપના અન્ય સભ્યોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ બાબતની જાણ થતાં વેરાવળ ફાયર બ્રિગેડ, પોલીસની ટીમ અને સ્થાનિક તરવૈયાઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ભારે જહેમત બાદ દરિયાના ધસમસતા પાણીમાં જઈને 4 યુવકોને બહાર કાઢી લીધા હતા. જ્યારે યુવતી હજુ પણ પાણીમાં લાપત્તા હોવાથી તેની યુદ્ધના ધોરણે શોધખોળ ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં લાપત્તા યુવતીની ઓળખ જ્યોતિ હરસુભભાઈ પરમાર (30) તરીકે થઈ છે. જે મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણાં ગામની વતની છે, પરંતુ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવપરા ગામે રહે છે. જ્યોતિની માસીની દીકરીના લગ્ન લેવાય હોવાથી વર અને કન્યા પક્ષના લોકો આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવા આવ્યા, ત્યારે આ દુર્ઘટના ઘટી હોવાનું માલૂમ પડ્યું છે.