Mega Demolition:ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે તંત્ર દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે હાથ ધરાયેલા મેગા ડિમોલિશન અભિયાન દરમિયાન ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. એક ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં નારાજગી દેખાઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
ડિમોલિશનની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન ઘટનાસ્થળે એકઠા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.એસ.પી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયરગેસના 3 (ત્રણ) શેલ પણ છોડ્યા હતા.

ઘટનાસ્થળે મહિલાઓના ટોળાએ પણ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું, જેના કારણે તણાવ વધુ વધ્યો હતો. તણાવ વધતાં પોલીસે તાત્કાલિક વધારાનો બંદોબસ્ત બોલાવી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. વિવાદ બાદ તંત્રએ વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વધુ કડક બનાવી છે.

સ્થાનિક અગ્રણીઓ સાથે સમજાવટ: તંત્રના સૂત્રો દ્વારા હાલની પરિસ્થિતિ વિશે જણાવવામાં આવ્યું હતું કે, પરિસ્થિતિ અત્યારે હાલ પૂર્ણ રીતે કાબૂમાં છે. અત્યારે જે વિવાદી સ્થળનું ડિમોલિશન છે, તે હાલમાં ચાલુ છે અને આ ડિમોલિશન કાર્ય અત્યારે અમે પૂરું કરી દેશું અને પછી જ બંદોબસ્ત વિડ્રો કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, હાલમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ આવી ગયેલ છે અને બધાને સમજાવટથી કામ અત્યારે ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત હાલમાં નથી. સોમનાથમાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો સામે આ મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અનેક રહેણાંક અને વેપારી ઇમારતોને પણ તોડી પાડવામાં આવી છે.

