Israel Air Strike: ઇઝરાયલે હવે લેબનાન પર હવાઈ હુમલો કર્યો છે. લેબનાનની રાજધાની બેરૂતમાં ઇઝરાયલે હવાઈ હુમલો કર્યો, જેમાં હિઝબુલ્લાહના ચીફ ઓફ આર્મી સ્ટાફ હેથમ તબ્તાબાઈનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયલી સેનાએ બેરૂતના દક્ષિણી વિસ્તાર દહિયેહમાં એક બિલ્ડિંગ પર મિસાઇલ છોડી હતી, જ્યાં હિઝબુલ્લાહના ચીફ રહેતા હતા. આ હુમલામાં બિલ્ડિંગમાં રહેતા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલે લેબનાનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે.
હુમલામાં ઇમારત ધરાશાયી અને વાહનો બળીને ખાખ
હવાઈ હુમલામાં તબ્તાબાઈ ઉપરાંત હિઝબુલ્લાહના અન્ય 4 સભ્યો પણ માર્યા ગયા છે. હુમલાના કારણે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ ઉપરાંત હુમલાથી બિલ્ડિંગની આસપાસના ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું અને ઘણા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. આ હુમલો અચાનક કરવામાં આવ્યો હતો અને તે પહેલા કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી.
કોણ છે મૃતક હિઝબુલ્લાહ ચીફ
હિઝબુલ્લાહ ચીફ હેથમ તબ્તાબાઈ આતંકવાદી સંગઠનના બીજા સૌથી વરિષ્ઠ સૈન્ય અધિકારી હતા. તેમનો જન્મ બેરૂતમાં જ થયો હતો. તેમની માતા લેબનાનથી અને પિતા ઈરાનથી હતા. આ હુમલા બાદ મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વધી શકે છે. ઇઝરાયલની આ કાર્યવાહીનો હિઝબુલ્લાહ જવાબ આપી શકે છે, જેના કારણે મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધ ફાટી નીકળી શકે છે. ઈરાન પણ હિઝબુલ્લાહનું સમર્થક છે, તેથી તે પણ કાર્યવાહી કરી શકે છે, જોકે અત્યાર સુધી ઈરાને કોઈ પ્રતિક્રિયા આપી નથી.
નવેમ્બર 2024ના યુદ્ધવિરામનું ઉલ્લંઘન
મળેલ માહિતી અનુસાર ઇઝરાયલે નવેમ્બર 2024માં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલો કર્યો છે. 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે જંગ શરૂ થઈ હતી, તે દરમિયાન ઇઝરાયલે લેબનાનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને પણ નિશાન બનાવ્યું હતું, પરંતુ બંને વચ્ચે નવેમ્બર 2024માં સીઝફાયર થઈ ગયું હતું. લેબનાને તાજેતરમાં ઇઝરાયલ સાથે વાતચીત કરવા માટે સહમતિ દર્શાવી હોવા છતાં આ હુમલો કરવામાં આવ્યો.
આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી
ઇઝરાયલ મધ્ય પૂર્વમાં વિકસી રહેલા આતંકવાદી સંગઠનોને જડમાંથી ખતમ કરવા માંગે છે. ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ આ હુમલાને આતંકવાદ વિરુદ્ધની કાર્યવાહી ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે હિઝબુલ્લાહ પોતાની સૈન્ય ક્ષમતાને મજબૂત કરી રહ્યું છે. નેતન્યાહૂએ આરોપ લગાવ્યો કે હિઝબુલ્લાહને લેબનાન સરકારનો સહયોગ મળી રહ્યો છે, જે રીતે હમાસને પેલેસ્ટાઇન સરકારનો સહયોગ મળી રહ્યો હતો અને ISIને પાકિસ્તાન સરકારનો સહયોગ મળી રહ્યો છે. ઇઝરાયલ મધ્ય પૂર્વમાં કોઈ પણ આતંકવાદી સંગઠનને મજબૂત બનવા દેશે નહીં, કારણ કે તેઓ સમગ્ર મધ્ય પૂર્વ માટે જોખમ બની શકે છે.

