Pakistan Blast News: પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે ફેડરલ પોલીસ દળના મુખ્યાલય પર હુમલો થયો હતો. અહેવાલો મુજબ મુખ્યાલયની નજીક ઘણા વિસ્ફોટોના અવાજ સાંભળવા મળ્યા હતા, જેના પછી આ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના મતે આ હુમલામાં સામેલ આત્મઘાતી હુમલાખોરોને મારી નાખવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસ દળના ત્રણ જવાનોનાં મોત થયા છે અને અન્ય બે ઘાયલ થયા છે.
પેશાવરમાં અર્ધસૈનિક બળના મુખ્યાલય પર વિસ્ફોટ
પાકિસ્તાનની ‘ધ ડોન’ વેબસાઇટ મુજબ આ હુમલો સવારે લગભગ 8 વાગ્યે સદ્દાર-કોહત રોડ પર થયો હતો. પહેલા એક આત્મઘાતી હુમલાવરે મુખ્યાલયના ગેટ પર જ પોતાને ઉડાવી દીધો. આ પછી ગોળીબારના પણ કેટલાક અવાજો સંભળાયા હતા. આ દરમિયાન, અન્ય એક હુમલાખોરે મુખ્યાલયમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સુરક્ષા દળોએ તેને મારી નાખ્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને રાહત-બચાવ અભિયાન શરૂ કર્યું.
આ હુમલાના પગલે પેશાવરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ લેડી રીડિંગ હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે છ ઘાયલોને લાવવામાં આવ્યા છે, જેમની હાલત સ્થિર છે.
આતંકી હુમલામાં વધારો
જે ફેડરલ પોલીસ દળ પર હુમલો થયો છે, તે એક નાગરિક અર્ધસૈનિક બળ છે, જેને અગાઉ ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી (Frontier Constabulary) કહેવામાં આવતું હતું. આ જ વર્ષે જુલાઈમાં શાહબાઝ શરીફની સરકારે તેનું નામ બદલીને ફેડરલ કોન્સ્ટેબ્યુલરી રાખ્યું હતું. પેશાવરમાં જ્યાં તેનું મુખ્યાલય આવેલું છે, તે જગ્યા ખૂબ જ ભીડભાડવાળો વિસ્તાર છે અને સૈન્ય છાવણી પણ અહીંથી ઘણી નજીક છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદી હુમલાઓમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં આ વધારો જોવા મળ્યો છે.

