Agriculture News: શિયાળુ પાકના વાવેતર સંદર્ભે ચોમાસું પાક પૂર્ણ થતો હોય તો શિયાળું પાકનું સમયસર આયોજન કરવું, રવિ સીઝનમાં વાવેતર માટે ઘઉં, જીરૂ, ચણા, ધાણા વગેરે મુખ્ય પાકોનો સારો ઉગાવા માટે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે.
શિયાળુ પાક માટેની માર્ગદર્શિકા
હાલ કમોસમી વરસાદથી જમીનનું તાપમાન ઠંડુ હોય વાતાવરણ ફરીથી સૂકું બને અને જમીન પુરી રીતે સુકાયા પછી જ પાકોનું વાવેતર કરવું હિતાવહ છે, અન્યથા ઉગાડવામાં પ્રશ્નો રહેશે અને જમીન જન્ય રોગો ઉગાવા વખતે ઉપદ્રવ વધી રહે શકે તેમ છે.
પિયતમાં આ બાબતે ધ્યાન રાખવું
પિયત સુવિધા આધારે પાકની પસંદગી કરવી જરૂરી છે, ઓછું પાણી હોય અથવા સંગ્રહિત ભેજથી વાવેતર હોય તો ચણાનું વાવેતર કરવું, સુધારેલ જાત અને સર્ટિફાઇડ બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. ચણામાં ગુજરાત ચણા- 5 (પિયત) અથવા ગુજરાત ચણા- 6 (પિયત/બિ.પિયત)નું વાવેતર કરવું જોઇએ.
પાકનું વાવેતર કરવું
ચોમાસુ પાક નીકળતો હોય તો શિયાળું પાકનું વાવેતર સમયસર કરવું, જેમ કે ઘઉંનું વાવેતર 15-નવેમ્બર આસપાસ કરવું અને ચણાનું વાવેતર 15 નવેમ્બર સુધીમાં કરવું. જમીન જન્ય રોગો અને અન્ય રોગ- જીવાત સામે રક્ષણ મેળવવા બિયારણ ને ફુગનાશક/જંતુ દવાનો પટ આપીને જ વાવેતર કરવું ખુબ જ જરૂરી છે.
પ્રાકૃતિક ખેતી માટે બીજામૃતનો પટ આપીને વાવેતર કરવું જોઈએ. જમીનમાં જીવામૃત આપવું જેથી ઘઉં, ચણા કે અન્ય શિયાળુ પાકને યોગ્ય પોષણ મળી રહે. ઝીંક યુક્ત ખાતરોનો ઉપયોગ કરવો, ચણામા સુકારો ન આવે તે માટે જમીનમાં ટ્રાઈકોડર્મા, સ્યુડોમોનાસ આપવું.
ફાલ આવવાની અવસ્થાએ ચણામાં જાંબુડી થઈ છોડ સુકાઈ જવાના પ્રશ્નો થાય તો કુલ સમયે પાણીમાં દ્રાવ્ય 00-52-34 ખાતરનો છંટકાવ કરવો.
વધુ જાણકારી માટે સંબંધિત ગામના ગ્રામસેવક,વિસ્તરણ અધિકારી ખેતી, મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ અમરેલી કે ધારીનો સંપર્ક કરવો, આ ઉપરાંત વૈજ્ઞાનિક જાણકારી માટે કૃષિ વિકાસ કેન્દ્ર-અમરેલી અને જૂનાગઢ કૃષિ યુનિવર્ષિટીના કૃષિ વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવો. તેમજ કૃષિ પ્રગતિ ઍપ્લિકેશન ઉપયોગથી અદ્યતન જાણકારી મેળવી શકાશે.

