Adadiya Pak Recipe: શિયાળો આવે એટલે અડદિયા યાદ આવે. અડદિયા કોન ન ભાવે. આજે અડદિયા પાક બનાવવાની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
અડદિયા પાક બનાવવાની જરૂરી સામગ્રી
- અડદનો લોટ (દરદરો/કકરો) –250 ગ્રામ.
- ગોળ –250 ગ્રામ (જો ગળપણ ઓછું જોઈતું હોય તો 200 ગ્રામ પણ લઈ શકો છો).
- ઘી –200 ગ્રામ (થોડું ઉપર જરૂર લાગે તો વાપરીશું, તેમાંથી 3 ટેબલસ્પૂન જેટલું ઘી બચાવવું).
- બાવળનો ગુંદર –50 ગ્રામ.
- સૂકા નાળિયેરનું ખમણ –50 ગ્રામ.
- ફ્રેશ ઘરની મલાઈ –અડધો કપ (અહીંયા તમે મલાઈની જગ્યાએ 50 ગ્રામ જેટલો માવો પણ ઉમેરી શકો છો, અથવા જો મલાઈ અને માવો બેમાંથી એક પણ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો).
- કાજુ – 1/4 કપ.
- બદામ – 1/4 કપ.
- પિસ્તા – 1 ટેબલ સ્પૂન.
- અખરોટ – 2 ટેબલ સ્પૂન. (અહીંયા ડ્રાયફ્રૂટ તમે તમારા હિસાબે લઈ શકો છો).
- સૂંઠનો પાવડર (Dry Ginger Powder) – 2 ટી સ્પૂન.
- પીપરી મૂળનો પાવડર – 1 થી 2 ટી સ્પૂન (તીખાશ પ્રમાણે).
- ખસખસ – 2 ટી સ્પૂન.
- મિક્સ મસાલા (કુલ અડધો ટેબલસ્પૂન જેટલું મિશ્રણ): નાનો ટુકડો તજ, 2 લવિંગ, 2 મરી, 3 એલચી અને થોડું જાયફળ. (અડદિયાનો રેડીમેડ મસાલો પણ વાપરી શકો છો).
અડદિયા પાક બનાવવાની રીત
- ગુંદર તૈયાર કરવો: ગુંદરને મિક્સર જારમાં એકદમ ઝીણો પાવડર કરી લેવો.
- ડ્રાયફ્રૂટ તૈયાર કરવા: કાજુ, બદામ, પિસ્તા અને અખરોટને મિક્સર જારમાં નાખીને માત્ર બે થી ત્રણ વાર પલ્સ કરીને દરદરું એવું મિશ્રણ રેડી કરી લેવું.
- મસાલો તૈયાર કરવો: સૂંઠ પાવડર, પીપરી મૂળનો પાવડર અને બાકીના બધા મસાલા (તજ, લવિંગ, મરી, એલચી, જાયફળ) ને મિક્સ કરી લેવા. ખસખસને આ મિશ્રણમાં મિક્સ કરી દેવું.
એક મોટી પ્લેટમાં અડદનો લોટ લઈ લો. લોટમાં 3 ટેબલ સ્પૂન જેટલુંગરમ ઘી અને હલકું ગરમ હોય તેવું 3 ટેબલ સ્પૂન જેટલુંદૂધ ઉમેરી દો. લોટને આ રીતે ઘી અને દૂધનું મોણ આપીને એકદમ સારી રીતે મિક્સ કરી દો. ગાંઠા હોય તેને હાથથી બ્રેક કરતા જવાનું અને પછી મિશ્રણને પ્રેસ કરીને ઢાંકીને 30 મિનિટ માટે સાઈડમાં રહેવા દેવાનું. 30 મિનિટ પછી લોટને હાથેથી બ્રેક કરી, મોટો ચારણો (સાળણી) લઈને તેમાં લોટ ઉમેરીને ચાળી લેવો. થોડું પ્રેસ કરીને ચાળવાથી દાણા દાણા એકદમ સારા પડશે. આ રીતે અડદિયાનો લોટ રેડી થઈ જશે.
એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે અડદિયાનો લોટ ઉમેરી દો. ગેસની ફ્લેમ મીડીયમ રાખીને લોટને શેકવાનો છે (સ્લો ફ્લેમ પર 15 મિનિટ લાગશે, મીડીયમ ફ્લેમ પર 8 થી 10 મિનિટ લાગશે). લોટનો કલર વાઈટથી લાલ ન થાય ત્યાં સુધી સતત ચલાવતા રહીને શેકવાનો છે.
જ્યારે લોટનો દાણો લાલ થઈ જાય, ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવી. મિક્સર જારમાં દળેલો 50 ગ્રામ ગુંદરનો પાવડર ઉમેરી દો. મિક્સ કરીને સ્લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દો, જેથી ગુંદર તળાઈને ક્રિસ્પી થઈ જશે. હવે લીધેલી મલાઈ (અડધો કપ) ઉમેરી દો. મલાઈ ઉમેરશો એટલે પાંચ જ મિનિટમાં મલાઈનો માવો તૈયાર થશે અને તેમાંથી ઘી છૂટું પડશે, જેથી મિશ્રણ થોડું ઢીલું થશે. મલાઈ ઉમેર્યા પછી ગેસની ફ્લેમ મીડીયમ કરી 5 મિનિટ જેવું શેકો.
- હવે દરદરું વાટેલો કાજુ, બદામ, પિસ્તા અને અખરોટનો પાવડર ઉમેરી દો. 1-2 મિનિટ શેકીને સૂકા નાળિયેરનું ખમણ (50 ગ્રામ) ઉમેરીને એકદમ સારી રીતે મિક્સ કરી દો.
મિશ્રણ બરાબર સેટ થાય અને ઘી ઓછું વપરાય તે માટે, ગરમ મિશ્રણને મિક્સર જારમાં ટ્રાન્સફર કરો. એક-બે વાર પલ્સ કરીને મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. (આમ કરવાથી પીસીસ સારા પડશે અને ડ્રાય નટ્સમાંથી તેલ રિલીઝ થતાં ઘી વધારે વાપરવાની જરૂર નહીં પડે). ગોળ ઉમેરવો
બાઉલમાં કાઢેલા મિશ્રણમાં તૈયાર કરેલો અડદિયાનો મસાલો ઉમેરીને મિક્સ કરી દો. કડાઈમાં બચેલું ઘી (2-3 ટેબલસ્પૂન) ઉમેરો. તેમાં 250 ગ્રામ ગોળ ઉમેરીનેસ્લો ફ્લેમ પર ગોળ પીગળે ત્યાં સુધી થવા દેવાનું છે. (ગોળને પીગળતા 1 થી 4 મિનિટ જેટલો સમય લાગી શકે છે). ગોળ બરાબર પીગળી જાય એટલે ગેસની આંચ બંધ કરી દો. પીગળેલા ગોળમાં તરત જ અડદિયાનું મિશ્રણ ઉમેરી દો અને એકદમ સારી રીતે મિક્સ કરી દો.
મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ ગરમ ગરમ હોય ત્યારે તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ કે બટર પેપર રાખેલી ચોકીમાં પાથરી દો.
ચમચીની મદદથી પ્રેસ કરીને ખૂણા પર પણ એકદમ સરખું ફેલાવી દેવાનું. વાટકીની મદદથી ઉપરની સપાટી સ્મૂથ કરી લેવી. ગરમ ગરમ હોય ત્યારે જ ઉપર બદામ-પિસ્તાના સ્લાઈસ અને સૂકા નાળિયેરનું ખમણ છાંટી દો. વાટકીના મદદથી પ્રેસ કરો જેથી ટોપિંગ્સ ચોંટી જાય. ગરમ હોય ત્યારે જ છરીની મદદથી નાના-મોટા પીસીસ પણ કરી લો. અડદિયાને 30 મિનિટથી 1 કલાક સુધી ઠરવા દેવા. ઠંડા થઈ ગયા પછી તેના પીસીસ અલગ કરી લેવા.

