Sardar Vallabhbhai Patel Jayanti 2025: સ્ટેચ્યુ ઑફ યુનિટી ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સ્થળોને તમારા લિસ્ટમાં ભૂલ્યા વિના એડ કરી દેજો, જુઓ તસવીરો

કેવડિયા હવે વિશ્વના સૌથી મોટા ટુરીસ્ટ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે. અહીં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે .

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 30 Oct 2025 05:16 PM (IST)Updated: Thu 30 Oct 2025 05:16 PM (IST)
sardar-vallabhbhai-patel-jayanti-2025-places-to-visit-near-statue-of-unity-kevadia-gujarat-629385

Places to Visit Near Statue of Unity: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું કેવડિયા એક આકર્ષક પ્રવાસન સ્થળ છે, જે કુદરતી સૌદર્ય અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. કેવડિયાની સૌથી મોટી ઓળખ સ્ટેચ્યુ ઑફ યુનિટી છે, જે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ જગ્યા નર્મદા નદીના કિનારે આવેલું હોવાથી, અહીંનું વાતાવરણમાં આહલાદક રહે છે. જો તમે પ્રકૃતિ પ્રેમી હોવ અને ઈતિહાસમાં રસ ધરાવતા હોય, તો કેવડિયાનો પ્રવાસ તમને આજીવન યાદ રહી જશે.

જો તમે સ્ટેચ્યુ ઑફ યુનિટી ફરવા જવાનું વિચારી રહ્યા હોય, તો આ આર્ટીકલમાં અમે આપને SOUની આસપાસ આવેલી કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું, જ્યાં બાળકોથી માંડીને વૃદ્ધો સૌ કોઈને ફરવાની ભરપુર મજા આવશે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી: સ્ટેચ્યુ ઑફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે, જેને નિહાળવા માટે દર વર્ષે દેશ-વિદેશથી લાખો સહેલાણીઓ આવે છે. SOUમાં એક ગેલેરી પણ આવેલી છે, જ્યાંથી તમે આસપાસનું દ્રશ્ય નિહાળી શકો છે. આ સિવાય અહીં એક મ્યુઝિયમ પણ આવેલું છે, જ્યાં સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલી જાણકારીઓ મળી શકે છે. આ જગ્યાએ આપને ભારતીય ઈતિહાસની ઝલક જોવા મળશે.

જંગલ સફારી પાર્ક: કેવડિયામાં આવેલ જંગલ સફારી પાર્ક વન્યજીવ પ્રેમીઓ માટે પણ આદર્શ સ્થળ છે. આ પાર્કમાં વિવિધ પ્રકાર જંગલી પ્રાણીઓ જેમ કે સિંહ, વાઘ, હરળ વગેરે જોવા મળી શકે છે. જંગલ સફારીમાં તમને વન્યજીવનને નજીકથી નિહાળવાનો અવસર મળશે. સફારી જીપ દ્વારા કરવામાં આવેલી ટૂર તમને રોમાંચક અનુભર પુરો પાડશે.

નર્મદા નદીમાં બોટિંગ: અહીં નર્મદા નદીમાં એકતા ક્રૂઝ અને નૌકા વિહારમાં બોટિંગ કરવું તમારા માટે એક અદ્દભૂત અનુભવ બની જશે. એકતા ક્રુઝ 2 કલાક જ્યારે નૌકા વિહારમાં લગભગ 40 મિનિટમાં 6 કિલોમીટરના બોટિંગ દરમિયાન તમે નદીની સુંદરતાનો ભવ્ય નઝારો માણી શકો છો અને આસપાસની હરિયાળીને નજીકથી નિહાળી શકો છો. પરિવાર સાથે સમય પસાર કરવો કે દોસ્તો સાથે મસ્તી કરવા માટે નર્મદામાં બોટિંગ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. એકતા ક્રુઝ માટે વ્યક્તિ દીઢ બે કલાક માટે 488 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે.

સરદાર સરોવર ડેમ: ભારતના સૌથી મોટા ડેમ પૈકી એક સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમમાં ઊંચાઈ પરથી પડતું પાણી અને ચોતરફની હરિયાળી જોવાલાયક છે. અહીંથી સૂર્યાસ્ત નિહાળવાનો એક અદ્દભૂત અનુભવ રહેશે, જે તમારી યાત્રાને યાદગાર બનાવશે. આ જગ્યા પર આવીને તમે કુદરતની સુંદરતાનો આનંદ માણી શકો છો.

બટરફ્લાય પાર્ક: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને માણી શકે, એ માટે બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 6 એકરમાં ફેલાયેલા બટરફ્લાય પાર્કમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.

કેકટ્સ ગાર્ડન, આરોગ્ય વન: સ્ટેચ્યુ ઑફ યુનિટીની નજીક આવેલ કેક્ટસ ગાર્ડન 25 એકરમાં ફેલાયેલું છે. જ્યાં દુનિયાના અલગ-અલગ 17 દેશોના કુલ 6 લાખ જેટલા કેક્ટસના છોડ આવેલા છે. અહીં સહેલાણીઓને અલગ-અલગ પ્રજાતિના કેક્ટસ અંગે જાણકારી મળે છે. આટલું જ નહીં, અહીં કેક્ટસમાંથી બનતી દવાઓ અને હર્લબ પ્રોડક્ટ્સની ખાસ દુકાન પણ છે. જ્યાંથી તમે દવાઓ પણ ખરીદી શકો છો.

વેલી ઑફ ફ્લાવર: અહીં અલગ-અલગ પ્રકારના રંગબેરંગી ફૂલોનો સુંદર બગચો આવેલો છે. અહીં તમે નરી આંખે પ્રકૃતિની સુંદરતા નિહાળી શકશો. આ બગીચામાં આવેલી પગદંડી પર ચાલતા-ચાલતા તમે ફૂલોની ખુશ્બુનો આનંદ માણી શકો છો. આ સ્થળ ફોટોગ્રાફી માટે બેસ્ટ છે.

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક: 35 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે, તે હેતુતી ખાસ ડિઝાઈન કરવામાં આવ્યો છે. અહીં બાળકોને મિની ન્યૂટ્રી ટ્રેનમાં બેસીને 600 મીટર ફેરવવામાં આવે છે. આ પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સાથે જ નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલભુલૈયાં પણ છે.

યુનિટી ગ્લો ગાર્ડનઃ 3.61 એકરમાં ફેલાયેલ યુનિટી ગ્લો ગાર્ડનમાં અઢી લાખ જેટલી LED લાઈટ, 31 ઝગમગતાં પ્રાણીઓ જેવા કે હરણ, ઘોડા, જિરાફ, ફ્લેમિંગો, હંસ, સસલાઓ ઉપરાંત 125 ફૂલો, 35 વૃક્ષો, 51 ઈન્ટરેક્ટિવ લાઈટીંગ એલીમેન્ટ્સ અને 4 ત્રિપરિમાણીય ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારનો ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ યાદગાર અનુભવ કરાવે છે.