Zubeen Garg Case: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિંગર ઝુબીન ગર્ગના મૃત્યુ પર સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ઝુબીનનું મૃત્યુ કોઈ અકસ્માત નહોતું, પરંતુ તે હત્યા હતી, જે સિંગાપોરમાં કરવામાં આવી હતી. જો કે હજુ સુધી ઝુબીનના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તેમના સમર્થકો સતત ન્યાયની માંગ કરી રહ્યા છે.
સ્વિમિંગ પૂલમાંથી મળી આવ્યો હતો મૃતદેહ
આસામના જાણીતા સિંગર 52 વર્ષીય ઝુબીન ગર્ગ 20 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં આયોજિત નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં પરફોર્મ કરવા પહોંચ્યા હતા. જોકે ઈવેન્ટના બરાબર એક રાત પહેલા 19 સપ્ટેમ્બરના રોજ સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. 19 સપ્ટેમ્બરની રાત્રે ઝુબીનનો મૃતદેહ સ્વિમિંગ પૂલમાં તરતો મળી આવ્યો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.
ઝુબીનના મૃત્યુનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બનેલો છે અને આ મામલે વિપક્ષે વિધાનસભામાં પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. વિપક્ષના સવાલોનો જવાબ આપતા હિમંત બિસ્વા સરમાએ ભારપૂર્વક જણાવ્યું કે આ એક પ્લાનિંગ કરેલી હત્યા હતી.
SIT દ્વારા તપાસ અને અટકાયત
ઝુબીનના મૃત્યુની તપાસ માટે આસામ સરકારે SIT ની રચના કરી છે. ગુવાહાટી હાઈકોર્ટે પણ તપાસ માટે એક સદસ્ય કમિશનની રચના કરી છે. પોલીસે અત્યાર સુધીમાં NEIFના આયોજક શ્યામકાનુ મહંતા, ઝુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્મા, પિતરાઈ સંદીપન ગર્ગ સહિત 7 લોકોની અટકાયત કરી છે. પોલીસને શંકા છે કે ઝુબીનની હત્યામાં આ તમામનો હાથ હોઈ શકે છે અને SIT આ મામલાની તપાસ કરી રહી છે.

