Ram Lalla Dress: ભવ્ય નવા રામ મંદિરમાં વિરાજમાન રામલલાનો ઠાઠ પણ રાજવી છે. તેમના રાગભોગમાં વિશિષ્ટ વ્યંજનોનો સમાવેશ થાય છે તો તેઓ દરરોજ નવા અલગ અલગ રંગના રેશમી વસ્ત્રો ધારણ કરે છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલા દરરોજ અલગ રંગના વસ્ત્રો ધારણ કરે છે. દરેક રંગનું પોતાનું વિશેષ મહત્વ છે અને તે રામલલાના ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. વસ્ત્રોની પસંદગી દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
દિવસ પ્રમાણે વસ્ત્રોનો રંગ
રામલલા અઠવાડિયાના દરેક દિવસે અલગ અલગ રંગના વસ્ત્રો ધારણ કરે છે. તેઓ સોમવારે સફેદ અને મંગળવારે લાલ વસ્ત્રો પહેરે છે. દૈનિક સમયપત્રક મુજબ રામલલા બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે ક્રીમ, શનિવારે નીલો અને રવિવારે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરે છે. તેઓ દરરોજ નવી ધોતી અને બે પટકા (જેમાં એક નાનો અને બીજો મોટો હોય છે) પહેરે છે. આ પટકા પર ગુલાબી રંગની ડાઇંગ કરવામાં આવે છે. આ વસ્ત્રો સંપૂર્ણપણે ભારતીય અને પરંપરાગત પરિધાન છે.
દેશભરના રેશમ અને કારીગરીનો ઉપયોગ
રામલલાના મોટાભાગના વસ્ત્રો રાજસ્થાન, બંગાળ, કાશ્મીર, ઓડિશા અને આંધ્રના સિલ્કના બનેલા હોય છે. આ વસ્ત્રો તૈયાર કરવામાં દેશના વિવિધ પ્રદેશોના સિલ્કનો ઉપયોગ થાય છે. તેમાં આસામનો લીલા રંગનો સિલ્ક, ઓડિશાની સંબલપુરી, બંગાળની જામદાની, રાજસ્થાનની બંધેજ બાંધણી અને આંધ્રની ઇક્કત સિલ્કનો સમાવેશ થાય છે. આ સિલ્કમાંથી તૈયાર થયેલા વસ્ત્રો પર વિવિધ પ્રદેશોની કારીગરીની છાપ હોય છે.
જાણો કોણ બનાવે છે રામલલાના વસ્ત્રો
રામલલાના વસ્ત્રોના ડિઝાઇનર મનીષ ત્રિપાઠી છે, જેઓ સતત નવા વસ્ત્રો તૈયાર કરવામાં વ્યસ્ત રહે છે. આ વસ્ત્રો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની સલાહ લીધા બાદ દિલ્હીમાં અંતિમ રૂપ આપવામાં આવે છે. વસ્ત્રોની વણાટ આંધ્ર પ્રદેશના ધર્માવરમના હાથશાળમાં થાય છે.
ઋતુ પ્રમાણે વસ્ત્રોમાં પરિવર્તન
હવામાન અનુસાર પણ રામલલાના વસ્ત્રો બદલાતા રહે છે. ડિઝાઇનર મનીષે જણાવ્યું કે ઉનાળા અને શ્રાવણમાં કોટન સિલ્કના વસ્ત્રો, શિયાળામાં ઊના વસ્ત્રો અને પ્રચંડ ઠંડીમાં પશ્મિનાથી બનેલા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. પ્રચંડ શિયાળા માટેના ઊની વસ્ત્રો લદ્દાખ, હિમાચલ અને કાશ્મીરની પશ્મિના સિલ્કમાંથી તૈયાર કરવામાં આવે છે. શિયાળામાં તેમને કાશ્મીરની પશ્મિના શાલ ઓઢાડવામાં આવશે. ડિઝાઈનર એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે ભગવાનને એવા વસ્ત્રો પહેરાવવામાં આવે જે તેમને ન ખૂંચે.

