Snake Attacks Viral Video: સામાન્ય રીતે જ્યારે લોકો કોઈ સાપને જુએ છે, ત્યારે ડરના માર્યા તેમનો જીવ નીકળી જાય છે. કોઈ ચીસો પાડે છે તો કોઈ ભાગીને દૂર સંતાઈ જાય છે. જોકે, દુનિયામાં કેટલાક એવા લોકો પણ છે જે આ ખતરનાક સરિસૃપોથી સહેજ પણ ડરતા નથી. આવા લોકો માટે સાપ પકડવો એ સાહસ જેવું હોય છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દર્શકોના રુંવાડા ઉભા થઈ ગયા છે. જાણો એવું તો શું છે આ વીડિયોમાં.
અજગરે કર્યો વળતો હુમલો
આ વીડિયોમાં એક મહિલા પોતાના જીવને જોખમમાં મૂકીને એક વિશાળકાય અજગરને પકડવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. સાડી પહેરેલી આ મહિલા એકદમ શાંત દેખાઈ રહી છે. શરૂઆતમાં બધું બરાબર ચાલે છે. તે ધીમે-ધીમે આગળ વધે છે અને ઝાડીઓ પાસે પહોંચીને અજગરની પૂંછડી પકડી લે છે. થોડી સેકન્ડ્સ સુધી તો બધું નિયંત્રણમાં રહે છે, પરંતુ અચાનક જ અજગર પલટીને તેના પર હુમલો કરી દે છે. અજગરે હુમલો કરતાં જ મહિલા ગભરાઈ જાય છે, પૂંછડી છોડીને ભાગી જાય છે. વીડિયોની આ ક્ષણ એટલી અચાનક હોય છે કે જોનારાના પણ ધબકારા વધી જાય છે.
આ પણ વાંચો
અજગરનું કર્યું સફળ રેસ્કયુ
પરંતુ આ વીડિયો અહીં પૂરો નથી થતો. થોડી જ વારમાં તે મહિલા ફરીથી હિંમત ભેગી કરે છે અને વધુ સાવધાનીપૂર્વક પાછી ઝાડીઓ તરફ જાય છે. અજગર ત્યાં સુધીમાં અડધો ઝાડીઓમાં ઘૂસી ચૂક્યો હતો, પણ મહિલાએ નક્કી કરી લીધું હતું કે તે હાર માનશે નહીં. તેણે ફરીથી અજગરની પૂંછડી પકડી અને પૂરી તાકાત લગાવીને તેને ઝાડીઓમાંથી બહાર ખેંચવા લાગી. આ દ્રશ્ય કોઈ એક્શન ફિલ્મનો સીન લાગતો હતો. આખરે, તેણે તે વિશાળ અજગરને બહાર કાઢ્યો અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધો.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @munna_snake_rescuer નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.6 કરોડ લોકો જોઈ ચુક્યા છે. જ્યારે 3.5 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. યુઝર્સે મહિલાની હિંમતના ખૂબ વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું કે આ મહિલા તો અસલી શેરની નીકળી, આવી હિંમત બધામાં નથી હોતી, તો અન્ય એક યુઝરે આ મહિલાને “રીઅલ-લાઇફ વન્ડર વુમન” કહી હતી.

