IND vs SA ODI Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા દક્ષિણ આફ્રિકા સામે આગામી 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ શ્રેણીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, કારણ કે સ્ટાર બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં અનુભવી ખેલાડી કેએલ રાહુલને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે.
શુભમન ગિલની ઈજા અને સારવાર
શુભમન ગિલને કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે બીજી ટેસ્ટ મેચ પણ રમી શક્યો નથી. તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે હજુ સમયની જરૂર હોવાથી તે વનડે શ્રેણી પણ ગુમાવશે. હાલમાં ગિલ મુંબઈમાં સારવાર લઈ રહ્યો છે.
ટીમમાં થયા મોટા ફેરફારો
ટીમ મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, કેએલ રાહુલ કેપ્ટનશીપ સંભાળશે. શુભમન ગિલના સ્થાને બેટ્સમેન તરીકે ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિકેટકીપર તરીકે ટીમમાં ધ્રુવ જુરેલને બીજા વિકલ્પ તરીકે સ્થાન મળ્યું છે.
ટીમના મુખ્ય ઝડપી બોલરો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે આ શ્રેણીમાં આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
? NEWS ?#TeamIndia's squad for @IDFCFIRSTBank ODI series against South Africa announced.
— BCCI (@BCCI) November 23, 2025
More details ▶️https://t.co/0ETGclxAdL#INDvSA pic.twitter.com/3cXnesNiQ5
જાડેજાની વાપસી, શ્રેયસ અય્યર બહાર
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમનો ભાગ રહેલા અક્ષર પટેલને આ શ્રેણીમાં પડતો મૂકવામાં આવ્યો છે અને તેના સ્થાને રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયેલા શ્રેયસ અય્યર પણ અનફિટ હોવાથી ટીમની બહાર છે. તેના સ્થાને તિલક વર્માની પસંદગી કરવામાં આવી છે.
IND vs SA વનડે શ્રેણીનું શેડ્યૂલ
- પ્રથમ વનડે: 30 નવેમ્બર, રવિવાર (રાંચી)
- બીજી વનડે: 3 ડિસેમ્બર (રાયપુર)
- ત્રીજી વનડે: 6 ડિસેમ્બર, શનિવાર (વિશાખાપટ્ટનમ)
વનડે શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે T20 શ્રેણી પણ રમાશે.
દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.

