PAK A vs BAN A Final: પાકિસ્તાન A એ 2025 ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સનો ખિતાબ જીતી લીધો છે. 23 નવેમ્બર 2025 રવિવારના રોજ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં સુપર ઓવરમાં બાંગ્લાદેશ A ને હરાવીને પાકિસ્તાન A એ શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ જીત સાથે પાકિસ્તાન A હવે એકમાત્ર એવી ટીમ બની ગઈ છે જેણે રાઇઝિંગ એશિયા કપ ત્રણ વખત જીત્યો હોય.
બાંગ્લાદેશ A દ્વારા ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
બાંગ્લાદેશ A ક્રિકેટ ટીમના કપ્તાન અકબર અલીએ ફાઇનલ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં આ નિર્ણય સંપૂર્ણપણે સાચો સાબિત થયો હતો. બાંગ્લાદેશી બોલરોએ પિચની પરિસ્થિતિઓનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો અને પાકિસ્તાન A ને 125 રન પર ઓલઆઉટ કરી દીધું.
પાકિસ્તાન A ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, જ્યાં યાસિર ખાન પહેલી જ બોલ પર રનઆઉટ થઈ ગયા. ત્યારપછી માઝ સદાકત (23 રન) અને અરફાત મિન્હાસ (25 રન) જેવા મુખ્ય બેટ્સમેન પણ ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. કપ્તાન ઇરફાન ખાન પણ માત્ર 9 રન બનાવીને આઉટ થયા. 14.2 ઓવરમાં પાકિસ્તાન A નો સ્કોર 75/6 હતો અને ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. આ સંકટની વચ્ચે સાદ મસૂદે બેટથી શાનદાર સંઘર્ષ કરીને 26 બોલમાં 38 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. બાંગ્લાદેશના સ્ટાર ઝડપી બોલર રિપૉન મંડલે 19મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને પાકિસ્તાનના નીચલા ક્રમને તહસ-નહસ કરી નાખ્યો. આ રીતે પાકિસ્તાન A ની ટીમ 20 ઓવરમાં 125 રન પર ઓલઆઉટ થઈ ગઈ.
126 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશ A ટીમના બેટ્સમેનો પર ફાઇનલ મેચનું દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. પાકિસ્તાનના ઝડપી અને સ્પિન બોલરો સામે બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે તૂટી પડ્યો. એક સમયે બાંગ્લાદેશ A નો સ્કોર 7 વિકેટના નુકસાન પર માત્ર 53 રન હતો અને મેચ પાકિસ્તાનની ઝોળીમાં સ્પષ્ટપણે જતી દેખાતી હતી. જોકે, બાંગ્લાદેશ A એ હાર માની નહીં. રકીબુલ હસન અને એસએમ મેહરૂબ (18 રન) ની ભાગીદારીથી કેટલીક આશા જાગી. જ્યારે મેચ છેલ્લી ઓવરોમાં પહોંચી, ત્યારે અબ્દુલ ગફ્ફાર સકલેન અને રિપૉન મંડલે બેટિંગ સંભાળી. 19મી ઓવરમાં બંનેએ મળીને શાનદાર 20 રન બનાવ્યા હતા.
સુપર ઓવરમાં પાકિસ્તાનની જીત
છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશ A ને જીતવા માટે માત્ર 7 રનની જરૂર હતી. બાંગ્લાદેશ A એ છેલ્લી બોલ પર એક રન લઈને સ્કોરને પાકિસ્તાન A ના 125 રન બરાબર કરી દીધો, જેના કારણે મેચ સુપર ઓવરમાં પહોંચી.
સુપર ઓવરમાં બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરવા આવી. પહેલી બોલ પર સિંગલ આવ્યો. બીજી બોલ પર વિકેટ પડી. ત્રીજી બોલ વાઇડ રહી અને બાઉન્ડ્રી સુધી પહોંચી ગઈ. ચોથી બોલ પર ઝીશાન બોલ્ડ થઈ ગયો. આ રીતે બાંગ્લાદેશ A ટીમ સુપર ઓવરમાં 6/2 રન જ બનાવી શકી. પાકિસ્તાનને મેચ જીતવા માટે સુપર ઓવરમાં 7 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પાકિસ્તાન તરફથી સદાકત અને શાહ મસૂદની જોડી મેદાન પર ઉતરી. બંનેએ માત્ર બે બોલમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું. પાકિસ્તાન A એ સુપર ઓવરમાં બાંગ્લાદેશ A ને હરાવીને ખિતાબ જીતી લીધો.

