Laalo Krishna Sada Sahaayate: ‘લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે’ ગુજરાતી ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને હજુ પણ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે લાલોની ટીમ હજુ સુધી પ્રમોશનમાં સક્રિય છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયાએ શરૂઆતના પ્રમોશન દરમિયાનનો એક ખૂબ જ મજેદાર કિસ્સો શેર કર્યો, જે સાંભળીને બધા હસીને લોટપોટ થઈ ગયા.
અંકિત સખિયાએ કહ્યું, “ફિલ્મ તૈયાર થઈ ગઈ પછી નવરાત્રીના દિવસોમાં અમે ગુજરાતભરમાં પ્રમોશન કરવા નીકળ્યા હતા. એક વખત રાજકોટના એક મોટા પાર્ટી પ્લોટમાં પ્રમોશન માટે ગયા. સ્ટેજ પર એંકરે કહ્યું કે ‘ ગુજરાતી ફિલ્મ લાલોની ટીમ તમને મળવા આવી રહી છે. આવો લાલોની ટીમનું સ્વાગત કરીએ.
અમે ટીમના સભ્યો સ્ટેજ તરફ જઈ રહ્યા હતા ત્યાં સિક્યોરિટીવાળાએ અમને રોકી લીધા અને પૂછ્યું, ‘ક્યાં જાવ છો ભાઈ?’
આ પણ વાંચો
અમે કહ્યું, ‘અરે, અત્યારે જ લાલોની ટીમને બોલાવે છે ને, એ અમે જ છીએ!’
સિક્યોરિટીવાળાએ અજાણ્યા ચહેરા જોઈને ફરી પૂછ્યું, ‘ખરેખર? તમે જ લાલોની ટીમ છો?’
સ્ટેજ પરથી એક પરિચિતે કહ્યું હા ભાઈ આજ ટીમ છે આવવાદો તેમને.

શરૂઆતના દિવસોમાં આવું ઘણી વખત થયું. કોઈ ઓળખતું જ નહીં! પણ આજે એ જ રાજકોટમાં કે કોઈપણ શહેરમાં જાઓ તો લોકો દૂરથી જ બોલાવે છે – ‘લાલો આવ્યો… લાલો આવ્યો!’” આ વાત કહેતાં કહેતાં અંકિત સખિયા સહિત ટીમના બધા કલાકારો હસી પડ્યા.
અંતમાં અંકિતભાઈએ ખૂબ જ સરસ વાત કહી, “અમે તો આ ફિલ્મ બનાવવામાં નિમિત્ત માત્ર છીએ. આ ફિલ્મને ચલાવવાની દોરી તો દ્વારકાધીશના હાથમાં છે. શ્રીકૃષ્ણ સદા સહાયતે!” લાલોની સફર હજુ ચાલુ છે અને ગુજરાતના ખૂણે ખૂણે લોકોના દિલમાં લાલો વસી ગયો છે.

લાલો ફિલ્મની વાર્તા (Story of Laalo Krishna Sada Sahaayate)
ફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાચાલક લાલો (કરણ જોશી)ની આસપાસ ફરે છે, જે પોતાના ભૂતકાળના પાપો, દુઃખ અને જીવનની મુશ્કેલીઓથી પીડિત છે. લાલોનું જીવન એક પ્રમાણભૂત માણસનું જ છે – પરિવાર, વ્યસનની સમસ્યાઓ અને આર્થિક તંગીઓ વચ્ચે ઝઝૂમતું. તેની પત્ની તુલસી (રીવા રાચ્છ) તેના સાથે ઊભી રહીને પણ વ્યસન અને અન્યયોની સમસ્યાઓથી ત્રસ્ત છે. આ કહાણી દર્શાવે છે કે 'વ્યક્તિ ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય' અને સંબંધોમાં શરૂઆતના પ્રેમને યાદ રાખીને આગળ વધવું જરૂરી છે. અવાવરૂ જગ્યાએ બંધ ઘરમાં ફસાયેલા લાલાને ભગવાન કેવી રીતે બહાર કાઢે છે અને લાલાની ગેરહાજરીમાં પરિવારની શું હાલત થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.

