'લાલો'નો સુપરસ્ટાર કરણ જોશી: CPU રિપેરિંગથી લઈને રૂપેરી પડદા સુધીની સંઘર્ષગાથા, 9 વર્ષની તપસ્યા બાદ મળી સફળતા

ગુજરાતી ફિલ્મ લાલો: કૃષ્ણ સદા સહાયતે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતા સાથે જ તેનો મુખ્ય અભિનેતા કરણ જોશી (Karan Joshi) રાતોરાત ગુજરાતી સિનેમાનો નવો ચહેરો બની ગયો છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 25 Nov 2025 01:02 PM (IST)Updated: Tue 25 Nov 2025 01:02 PM (IST)
laalo-krishna-sada-sahaayate-star-karan-joshi-inspiring-journey-from-struggle-to-success-644192

Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' (Laalo: Krishna Sada Sahaayate) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતા સાથે જ તેનો મુખ્ય અભિનેતા કરણ જોશી (Karan Joshi) રાતોરાત ગુજરાતી સિનેમાનો નવો ચહેરો બની ગયો છે. જોકે, પડદા પર દેખાતી આ ગ્લેમરસ સફળતા પાછળ વર્ષોનો આકરો સંઘર્ષ, આર્થિક તંગી અને અડગ મનોબળ રહેલું છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કરણ જોશીએ પોતાની જીવનયાત્રા વિશે નિખાલસ વાત કરી હતી.

હાર્ડવેર એન્જિનિયરિંગથી થિયેટર સુધીની સફર

વર્ષ 2015-16 ના સમયગાળામાં કરણ હાર્ડવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. એક દિવસ તેના મોટા ભાઈ, જે પોતે ફિલ્મ મેકર છે, તેને 'ઓરોબોરોસ થિયેટર ગ્રુપ'માં લઈ ગયા. ત્યાં કલાકારોને રિહર્સલ કરતા જોઈને કરણને આંતરિક અવાજ આવ્યો કે 'આ જ મારી જગ્યા છે.' સ્ટેજ પરની પ્રથમ એન્ટ્રી વિશે વાત કરતા કરણ જણાવે છે કે, વિંગમાંથી (ઝાડ પાછળની ગેપમાંથી) સ્ટેજ પર પગ મૂકવો એ કોઈ 'પોર્ટલ'માં પ્રવેશવા જેવું હતું અને ત્યારથી જ તેની અભિનય યાત્રા શરૂ થઈ.

ડિલિવરી બોયથી લઈને BPO ની નોકરી

સફળતા કરણને થાળીમાં પીરસાઈને નહોતી મળી. 10 માં ધોરણ પછી સ્કૂલ છોડ્યા બાદ તેણે સંઘર્ષ શરૂ કર્યો હતો. શરૂઆતમાં તેણે હાર્ડવેર શોપમાં નોકરી કરી, લોકોના ઘરે જઈને ફ્રીમાં CPU અને UPS રિપેર કર્યા અને ડિલિવરી બોય તરીકે પણ કામ કર્યું. ત્યારબાદ તેણે 12 થી 13 મહિના સુધી BPO માં નાઈટ શિફ્ટ કરી, પરંતુ જીવનમાં એકવિધતા ન જોઈતી હોવાથી તે નોકરી છોડી દીધી. આ નિર્ણયને કારણે નાની ઉંમરે મળતી આર્થિક આવક બંધ થઈ ગઈ હતી.

9 વર્ષનો વનવાસ અને એક અનોખો સંયોગ

કરણે સતત 9 વર્ષ સુધી એક્સ્પેરિમેન્ટલ થિયેટર કર્યું, જેમાં તેને કોઈ આર્થિક વળતર મળતું નહોતું. લાઈટિંગ સિવાય થિયેટરના તમામ કામો તેણે કર્યા. એક કિસ્સો યાદ કરતા તે કહે છે કે, એક સમયે 'કોમેડી ફેક્ટરી'ના એક શોમાં તે વોલન્ટિયર તરીકે ગેટ પર લોકોને પાણી પીવડાવવાનું કામ કરતો હતો. કુદરતનો ક્રમ જુઓ કે, આજે એ જ સ્ટેજ પર તે પોતાનો શો પરફોર્મ કરીને આવ્યો છે.

પરિવાર અને મિત્રો: સફળતાનો આધારસ્તંભ

કરણના પિતા કર્મકાંડી બ્રાહ્મણ હોવા છતાં, તેમણે દીકરા પર ક્યારેય પોતાની ઈચ્છાઓ થોપી નહીં. કરણ માને છે કે પિતાએ પોતે જે સુવિધાઓ નથી ભોગવી, તે સંતાનોને આપી છે. ફિલ્મમાં 'શ્રીકૃષ્ણ'નું પાત્ર ભજવનાર શૃહદ તેનો અંગત મિત્ર છે. કરણ તેને '4 AM ફ્રેન્ડ' ગણાવે છે, જેને તે અડધી રાત્રે પણ ફોન કરીને પોતાની સમસ્યા કહી શકે છે.

ઈશ્વર અને પ્રારબ્ધમાં અતૂટ શ્રદ્ધા

લોકોના મેણા-ટોણા અને અનેક નિષ્ફળતાઓ છતાં કરણે પોતાનું ફોકસ માત્ર કામ પર રાખ્યું. તેની ફિલોસોફી સ્પષ્ટ છે - 'પડી ગયા તો શું થયું? ફરી ઉભા થવાનું.' તેનું માનવું છે કે ઈશ્વરે તેને 9 વર્ષ સુધી ઘસીને મજબૂત બનાવ્યો અને જ્યારે તે લાયકબન્યો, ત્યારે જ તેને 'લાલો' જેવી ફિલ્મ ભેટમાં આપી.