Tehri Bus Accident: ઉત્તરાખંડના ટિહરીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના મુસાફરોને લઈને જતી બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 5 જેટલા શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે, જ્યારે 17થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું માલૂમ પડ્યું છે.
આ અંગે ટિહરીના SP આયુષ અગ્રવાલે જણાવ્યું કે, આજે બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ એક બસ ગુજરાત, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મહારાષ્ટ્રના 29 જેટલા શ્રદ્ધાળુઓને લઈને ઋષિકેશના દયાનંદ આશ્રમથી કુંજાપુરી મંદિર લઈને ગઈ હતી.
જયાંથી પરત ફરતી વખતે બસ કુંજાપુરી-હિંડોલાખા નજીક પહોંચી ત્યારે જ અચાનક બ્રેક ફેઈલ થઈ જવાથી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી બેકાબુ બનેલી બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.
આ મામલે નરેન્દ્રનગર પોલીસ મથકના ઈન્સ્પેક્ટર સંજયે જણાવ્યું કે, UK014-PA-1769 નંબરની અકસ્માત ગ્રસ્ત બસમાંથી ઈજાગ્રસ્ત મુસાફરો તેમજ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જે પૈકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત 4 શ્રદ્ધાળુઓને ઋષિકેશ સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 10 મુસાફરોને નરેન્દ્રનગર સ્થિત શ્રી દેવસુમન હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.
આ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ રાહદારીઓએ જાણ કરતાં એમ્બ્યુલન્સ, પોલીસ અને SDRFનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ SDRF દ્વારા રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનેલા શ્રદ્ધાળુઓ પૈકી મોટા ભાગના ગુજરાતી છે. જેમાં ચૈતન્ય જોશી (60), દીપલ જોશી (50), પ્રશાંત ધ્રુવ (71), પ્રતિભા ધ્રુવ (70) અને આનંદ (તમામ રહે. અમદાવાદ) ઘાયલ થતાં તેમને ઋષિકેશ સ્થિત એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રના માધુરી (55), અર્ચિન (52) અને અનુજા નામના મુસાફર ઉપરાંત દિલ્હીના નરેશ ચૌહાણ (69) અને તેમની પત્ની અનિતા ચૌહાણ તેમજ વારાણસી ઉત્તર પ્રદેશના રાકેશ (55) પણ ઘાયલ થયા છે.
અન્ય ઈજાગ્રસ્તોની ઓળખ દેહરાદૂનના ડ્રાઈવર શંભુ સિંહ (60), બિહારના વિનોદકુમાર પાંડે (55), હરિયાણાની દિક્ષા શર્મા (50), પંજાબની દીપશિખા (49) તરીકે થઈ છે.

