Tehri Accident: ઉત્તરાખંડના ટિહરીમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મુસાફરોને લઈને જતી એક બસ બેકાબુ બનીને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં વડોદરાના એક સહિત કુલ 5 મુસાફરોના મોત નીપજ્યા છે, જ્યારે 17થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી 7ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ગોઝારા અકસ્માતમાં વડોદરા શહેરના માંડવી વિસ્તારની ખત્રી પોળમાં રહેતા પાર્થ સારથી મધુસુદન જોશી (60)નું પણ મોત નીપજ્યું હોવાનું માલૂમ પડ્યું છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ત્રણ બહેનોનો એકમાત્ર સહારો ગણાતા પાર્થસારથી જોશીના અકાળે અવસાનના સમાચાર સાંભળીને પરિવારના માથે આભ ફાટી પડ્યું છે. બહેનો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી કે, તેમનો ભાઈ હવે તેમની વચ્ચે નથી.
પાર્થસારથી જોશી ગત 19 નવેમ્બરના રોજ ટ્રેન મારફતે વડોદરાથી દહેરાદૂન જવા નીકળ્યા હતા. જ્યાંથી તેઓ ઋષિકેશ શિબિરમાં ભાગ લેવા ગયા હતા. આગામી 1 ડિસેમ્બરના રોજ પાર્થસારથીનું વડોદરા પરત ફરવાનું આયોજન હતુ, પરંતુ તેની પહેલા જ તેમને કાળનો ભેટો થઈ ગયો છે.
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પાર્થસારથી જોશીના પરિવારને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ બાદ વડોદરા મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે મોડી સાંજે અથવા પરમ દિવસે મૃતદેહ વડોદરા પહોંચવાની શક્યતા છે.
જ્યારે વડોદરા પૂર્વ મામલતદાર અલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે, મૃતદેહ ત્યાંથી રવાના થયા બાદ વધુ વિગતો પ્રાપ્ત થશે. આ દુઃખદ અકસ્માતથી વડોદરા શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવાર, સગાં-સંબંધીઓ તેમજ સ્થાનિક લોકો અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે.

