Bhavnagar: ભાવનગરમાં પોતાની પત્ની અને બે સંતાનોની ઘાતકી હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહને દાટી દેવાના ચર્ચિત કેસમાં આરોપી ફોરેસ્ટ અધિકારીને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ પરિસરમાં ઉપસ્થિત લોકોમાં આ રાક્ષસી કૃત્ય બદલ ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આરોપીને જોતા જ 'આ રાક્ષસને ફાંસી આપો'ના નારા લગાવ્યા હતા.
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે હત્યારા શૈલેષ ખાંભાલાને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટે દલીલો સાંભળ્યા બાદ શૈલેષ ખાંભલાના 7 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે.
અત્યાર સુધીની પૂછપરછમાં આરોપી શૈલેષે ઘર કંકાશમાં ઓશિકા વડે પત્ની સહિત બે સંતાનોનું મોંઢુ દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હવે કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર થતાં આ મામલે અન્ય ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો
શું છે સમગ્ર મામલો?
ગત 5 નવેમ્બરના રોજ ફૉરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાનો પરિવાર દિવાળીનું વેકેશન ગાળવા માટે સુરતથી ભાવનગર આવ્યો હતો. જ્યાં પતિ-પત્ની વચ્ચે સાથે રહેવા બાબતે ચાલતી માથાકૂટને લઈને મામલો ઉગ્ર બન્યો હતો. આથી ઉશ્કેરાયેલા પતિએ પત્ની અને બે સંતાનોની વારાફરતી ઘાતકી હત્યા કરી દીધી હતી. જે બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે ત્રણેયની લાશને ઘર નજીક ખાડામાં દાટી દીધી હતી.
આ ખાડામાં પાણી ભરેલુ હોવાથી લાશ બહાર ના આવે તે માટે ત્રણેયની લાશ સાથે પથ્થરો બાંધવામાં આવ્યા હતા. જે બાદ લાશ કોઈને દેખાય નહીં, તે માટે ખાડા ઉપર ગાદળું ઢાંકી દીધુ હતુ. પરિવારની હત્યાના બીજા દિવસે હત્યારાએ પોલીસમાં ત્રણેય ગુમ થયા હોવાની જાણ કરી હતી. આટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હત્યારાએ ભરપુર પ્રયાસ કર્યાં હતા.

