Bhavnagar: ભાવનગરમાં મહિલા અને તેના બે સંતાના ટ્રિપલ મર્ડરની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી મૂકી છે, ત્યારે આ ગુનાના આરોપી એવા વન વિભાગના ACFએ રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં પોતે પ્રેમિકાને પામવા માટે જ પત્ની અને બે બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબૂલાત કરી છે.
પોલીસ રિમાન્ડમાં રહેલા આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલાએ જણાવ્યું કે, તેને પોતાના જ ફોરેસ્ટ વિભાગમાં કામ કરતી મહિલા સાથે લાંબા સમયથી પ્રેમ સબંધ હતો. જો કે પ્રેમ સબંધમાં પત્ની અને બાળકો નડતર રૂપ બની રહ્યા હતા. આથી પ્રેમિકાને પામવા માટે જ પત્ની અને બે બાળકોની હત્યા કરી હતી.
આ પણ વાંચો
જણાવી દઈએ કે, ગત 5 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલાનો પરિવાર દિવાળીનું વેકેશન ગાળવા માટે સુરતથી ભાવનગર આવ્યો હતો. જે બાદ શૈલેષ ફરજના ભાગરુપે તળાજા ગયો હતો. જ્યાંથી પરત આવતા પત્ની અને બાળકોની ભાળ ના મળતા તેણે ભરતનગર પોલીસમાં પરિવાર ગુમ થયો હોવાની અરજી આપી હતી.
જો કે પોલીસને શરૂઆતથી જ શૈલેષ પર શંકા હતી. પોલીસ તપાસમાં ફરિયાદી શૈલેષે પરિવાર ગુમ થયાના ત્રણેક દિવસ પહેલા જ પોતાના ઘર નજીક ખાડો ખોદાવ્યો હતો. જેને પુરવા માટે પરિવાર ગુમ થયાના બીજા દિવસે માટી મંગાવી હોવાનું માલૂમ પડ્યું હતુ.
આથી પોલીસે શૈલેષની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે પત્ની અને બે બાળકોને ઓશિકા વડે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ તેમની લાશને ખાડામાં દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં આરોપી શૈલેષની ધરપકડ કરીને ગઈકાલે કોર્ટમાં રજૂ કરતાં તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ રિમાન્ડ પર રહેલા હત્યારા શૈલેષની પૂછપરછમાં આગામી દિવસોમાં અન્ય ખુલાસા થઈ શકે છે.

