Gujarat,Gandhinagar: ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે શનિવારે વરિષ્ઠ નાગરિકોને સેમિનારના માધ્યમથી ડિજિટલ સેફ્ટીને લગતી તાલીમ આપવામાં આવી હતી. આ આયોજન જાગરણ ન્યૂ મીડિયા અને વિશ્વાસ ન્યૂઝના સહયોગથી ગૂગલના પ્રતિષ્ઠિત 'ડિજીકવચ' પહેલ અંતર્ગત 'વરિષ્ઠ નાગરિકોની ડિજિટલ સુરક્ષાઃ સચ કે સાથી' અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતું.
સેક્ટર-7 સ્થિત ભારતમાતા મંદિર હોલ ખાતે યોજાયેલ આ સેમિનારની શરૂઆત કરતાં જાગરણ ન્યૂ મીડિયાના એડિટર ઈન ચીફ રાજેશ ઉપાધ્યાયે વધી રહેલા સાઈબર ક્રાઈમના આ સમયમાં આ કાર્યક્રમનું કેટલું મહત્વ રહેલું છે તે અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે જ્યારે મોબાઈલ આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે તો સ્કેમર્સથી પણ સાવધાન રહેવું એટલું જ જરૂરી બની ગયું છે. સ્કેમર્સ લાલચ અને ડર દેખાડીને લોકોને પોતાના જાળમાં ફસાવી લે છે.

તેમણે ઓનલાઈન છેતરપિંડી અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સાઈબર અપરાધીઓ વરિષ્ઠ નાગરિકોને વિશેષ નિશાન બનાવે છે અને આ પ્રકારના કિસ્સા સતત વધી રહ્યા છે. આ પ્રકારની છેતરપિંડી મોટાભાગે તહેવારોની સિઝન અથવા તો કોઈ ખાસ પ્રસંગ પર લોભામણા સંદેશાઓ સાથે ફિશિંગ લિંક્સ મોકલે છે. તેનાથી બચવા સૌથી સુરક્ષિત રીત છે કે આ પ્રકારની કોઈ પણ લિંક્સ પર ક્લિક કરવી જોઈએ નહીં.
વરિષ્ઠ નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી તથા સ્કેમ્સથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી યોજાયેલ આ કાર્યક્રમમાં રાજેશ ઉપાધ્યાયે ગૂગલ અને સોશિયલ મીડિયા મીડિયા અકાઉન્ટ્સનો મજબૂત પાસવર્ડ બનાવવાની રીત જણાવી હતી. તેમણે કહ્યું કે ગૂગલ પાસકી પાસવર્ડનો સુરક્ષિત ઓપ્શન છે. તેની મદદથી લોગ-ઈન કરવા માટે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ સ્કેનની જરૂરિયાત હોય છે. આ સાથે જ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને એક્ટિવ કરવા પણ અકાઉન્ટને સુરક્ષિત રાખી શકાય છે.
23 અને 24 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે સેમિનાર
ગાંધીનગર પછી, 23 અને 24 નવેમ્બરના રોજ ગુજરાતના અમદાવાદમાં સેમિનાર યોજાશે. આ કાર્યક્રમો 23મીએ સાંજે 6 વાગ્યે કલાસાગર મોલમાં અને 24મીએ સાંજે 4 વાગ્યે સદવિચાર ભવનમાં યોજાશે.
કાર્યક્રમ વિશે
"ડિજિટલ સેફ્ટી ઓફ સિનિયર સિટિઝન્સ:પાર્ટનર્સ ઓફ ટ્રુથ" અભિયાન હેઠળ, દૈનિક જાગરણ ડિજિટલ અને વિશ્વાસ ન્યૂઝની ટીમો દેશભરમાં સેમિનાર અને વેબિનાર દ્વારા તાલીમ આપી રહી છે.
આ પહેલ હેઠળ 20 રાજ્યોના 30 શહેરોમાં તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાત ઉપરાંત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ,બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ,મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા,પંજાબ અને ઉત્તરાખંડ સહિત 20 રાજ્યોમાં આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.લોકોને ઓનલાઈન કૌભાંડોને ઓળખવા અને તેનાથી બચવા માટે તાલીમ આપવામાં આવી રહી છે.
ગુગલનું 'ડિજીકોવોચ'અભિયાન ભારતમાં ઓનલાઈન છેતરપિંડી વિશે જાગૃતિ ફેલાવી રહ્યું છે.આ અભિયાનનો હેતુ છેતરપિંડી અને કૌભાંડો વિશે જાગૃતિ લાવવાનો છે.
કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે મુલાકાત લો: https://www.jagran.com/digikavach

