Harsh Sanghvi: નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે દેખાવ કરવા સાથે વડગામના કોંગ્રેસી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે ટિપ્પણી કરી હતી.
જીજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીના અભ્યાસ અંગે તેમજ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરાવી દેવાનું પણ કહ્યું હતું. જો કે મેવાણીને વળતો જવાબ આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે, મેવાણી જેવા લોકો પોતાની જાતને ભણેલા ગણાવે છે, ઘણી ડીગ્રીઓ ધરાવે છે પરંતુ સમાજમાંથી સંસ્કાર મેળવી શક્યા નથી.
મેવાણીને વળતો જવાબ આપ્યો
ગુજરાત રાજ્ય સરકારે શનિવારે ગાંધીનગરમાં સરકારી નોકરી પર ભરતી થયેલા 4,000 થી વધુ કર્મચારીઓને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ નવા કર્મચારીઓને સંબોધતા કહ્યું કે, કોઈ એક કર્મચારી ભૂલ કરે તો લાખોને સોશિયલ મીડિયામાં બદનામ કરવા વાળા તમારી પાસે આવશે. તમને નોકરીમાંથી કઢાવી મૂકવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ કહ્યું તે યાદ જરૂર રાખજો, તમારી મહેનત ચાલું રાખશો. તમારી સામે પડનારા લોકો પૈકી કેટલાક ચૂંટાયેલા નેતાઓ પણ હશે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામ કરવાની દિશામાં તમે આજથી મક્કમતાથી આગળ વધો તેવી શુભકામનાઓ આપું છું. લોકો માટે સેવાનો ભાવ રાખશો તો આવા લોકો નડશે નહીં.
પોલીસ ખાતામાં મોટી ભરતી આવશે
વધુમાં હર્ષ સંઘવીએ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે, આ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ ખાતામાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. જેમાં PSI અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની 13,591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે છે.

