Paresh Goswami: ખેડૂત નેતા અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સરકારને ખેડૂતોના વિવિધ પ્રશ્નો પર અલ્ટીમેટમ આપીને આંદોલનની ચીમકી આપી છે. આ આયોજન મુજબ સોમવારના રોજ ખેડૂતોને મોટી સંખ્યામાં જૂનાગઢ કલેક્ટર કચેરીએ એકઠા થવા માટે અપીલ કરવામાં આવી છે. ખેડૂતોની ત્રણ મુખ્ય માંગોને લઈને સરકારને આ અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યું છે.
અગાઉ આ કાર્યક્રમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ માટે આયોજિત કરાયો હતો, પરંતુ સરકારે તે ગ્રાઉન્ડની પરમિશન આપી નહોતી. જોકે, જૂનાગઢના પીઆઈએ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ કરવા માટે માર્ગદર્શન આપ્યું હોવાથી, કાયદાનો ભંગ કર્યા વિના હવે આ સ્થળે એકઠા થવાનું નક્કી કરાયું છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ આંદોલનની મુખ્ય માંગણીઓમાં બે હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું પાકધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી માગણી છે. જે ખેડૂત મિત્રોએ પાકધિરાણ લીધેલું ન હોય, તેમના એકાઉન્ટમાં સરકાર તરફથી સીધા 3 લાખ રૂપિયાની રકમ જમા કરવામાં આવે તેવી પણ માંગ છે. આ ઉપરાંત, બીજી અગત્યની માગણી એ છે કે 2019 નો પાક વીમો જે કોર્ટના આદેશ પછી મંજૂર થયેલો હતો, તે આજ દિવસ સુધી 50 ટકા ખેડૂતોના એકાઉન્ટમાં આવ્યો નથી અને 50 ટકા ખેડૂતો આજે પણ વંચિત છે. તમામ વંચિત ખેડૂત ભાઈઓને 2019 નો પાક વીમો વહેલી તકે મળી રહે.
ત્રીજો મુખ્ય મુદ્દો ટેકાના ભાવે ખરીદી સાથે સંકળાયેલો છે, જે 9 તારીખથી સરકારે ચાલુ કરી છે. ખેડૂતોનો અધિકાર દર વર્ષે 200 મણ મગફળી ખરીદવાનો છે, પરંતુ સરકારે આ વર્ષે અન્યાય કરીને માત્ર 125 મણ ખરીદવાની જાહેરાત કરી છે. ખેડૂતોની માંગ છે કે કાયદા મુજબ 200 મણ મગફળીની પૂરી ખરીદી કરવામાં આવે. આની સાથે જ, વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની જે મગફળી પલળી ગયેલી છે, તે પણ સરકાર ટેકાના ભાવે ખરીદી લે તે અત્યંત જરૂરી છે. જો સરકાર પલળેલી મગફળી નહીં ખરીદે તો વેપારીઓ કોઈ પણ પ્રકારે ખેડૂતો સાથે ન્યાય કરી શકવાના નથી.
ખેડૂત નેતા પરેશ ગોસ્વામીએ અલ્ટીમેટમ આપ્યું છે કે જો સરકાર 12 દિવસની અંદર આ ત્રણેય મુખ્ય મુદ્દાઓ પાકધિરાણ માફી, 2019 નો વીમો અને ટેકાના ભાવનો મુદ્દોનું સોલ્યુશન નહીં લાવે, તો આવનારા દિવસોમાં ખેડૂતો અનજણનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન ઉપર જશે. તેથી, દરેક ખેડૂત ભાઈઓને આવતી કાલે 10 નવેમ્બર 2025 સોમવારે સવારે 9 વાગ્યે જૂનાગઢ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પધારવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આ રીતે, પાકધિરાણ માફી, વીમો અને ટેકાના ભાવની ખરીદીના મુદ્દાને લઈને ખેડૂતો સરકારને તેમની શક્તિ અને એકતાનો પરિચય કરાવવા જઈ રહ્યા છે, અને જો 12 દિવસમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનનો રસ્તો અપનાવશે.

