Kheda, Vadtal Swaminarayan Mandir: વડતાલધામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં અતિ મહત્ત્વનો તબક્કો ગણાતા શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપનના દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે. સાત દિવસીય આ ભવ્ય મહોત્સવનો આરંભ 30 ઑક્ટોબરથી થશે અને 5 નવેમ્બર સુધી વડતાલધામમાં વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક તથા સેવાકીય કાર્યક્રમો યોજાશે.
આ વિશાળ મહોત્સવની તૈયારીઓ માટે 300થી વધુ સંતો અને 3 હજાર હરિભક્તો સતત સેવા આપી રહ્યા છે. અંદાજે બે લાખથી વધુ ભક્તો આ પવિત્ર અવસરે વડતાલધામમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. મહોત્સવના મુખ્ય કાર્યક્રમો વડતાલ મંદિરના હરિમંડપ તથા આસપાસના વિવિધ સ્થળોએ યોજાશે.
શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાને નિમિત્તે શાસ્ત્રીય ચર્ચા, યજ્ઞ, પૂજન, સત્સંગ સભાઓ, સાંસ્કૃતિક રજૂઆતો અને સમાજસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ રીતે, આચાર્યપદ સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાને અવસરે આચાર્યશ્રીઓના આશીર્વચન અને સંપ્રદાયના ઈતિહાસ પર આધારીત વિશેષ પ્રદર્શન પણ યોજાશે.
દેશ-વિદેશમાંથી સંતો, હરિભક્તો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી આ પવિત્ર પ્રસંગને સાક્ષી બનશે. મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સંપ, સુહૃદભાવ, નૈતિકતા અને એકતાનો સંદેશ ફેલાવવાનો છે. વડતાલધામ ફરી એક વાર અધ્યાત્મ અને સેવા ભાવના થી મહેકી ઉઠશે.

