Vadtal Dham 200 Years Celebration: યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આજે ગુરુવારથી ભવ્યાતિભવ્ય દ્વિ શતાબ્દી મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે સંવત 1882માં અહીં શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું અને આચાર્યપદની સ્થાપના કરી હતી. આ બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓને 200 વર્ષ પૂરાં થવા નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બે લાખથી વધારે હરિભક્તો ભાગ લેશે.
મંદિરના સંતો શુકદેવસ્વામી, બાલમુકુંદ સ્વામી અને શ્યામ સ્વામીએ જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે મહોત્સવનું સ્થળ ગોમતીના કાંઠેથી બદલીને મંદિરના હરિમંડપ પાછળ વિશાળ મંડપમાં કરવામાં આવ્યું છે, જે માત્ર 48 કલાકમાં તૈયાર કરાયો છે.
આજના કાર્યક્રમ
સાંજે 4 વાગ્યે: કથાની ભવ્ય પોથીયાત્રા નીકળશે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, બંને વક્તા સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે.
સાંજે 6 વાગ્યે: મહોત્સવનું ધામધૂમથી ઉદ્ઘાટન થશે.
સપ્તાહભરના કાર્યક્રમો
આ મહોત્સવ તારીખ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન સવારે 8.30થી 12.30 સુધી વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડલધામ) દ્વારા શિક્ષાપત્રી ભાષ્ય કથાનું અને સાંજે 3.30થી 7.30 વાગ્યા સુધી વક્તા નિત્યસ્વરૂપ દાસજી સ્વામી દ્વારા આચાર્યોદય ગ્રંથ કથાનું રસપાન કરાવવામાં આવશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
મહત્વપૂર્ણ તારીખો
તારીખ 31: સવારે 7.40 કલાકે 21 કુંડી શ્રીહરિયાગનો પ્રારંભ, સાંજે શિક્ષાપત્રી પૂજન અને ડ્રાયફૂટ અભિષેક.
તારીખ 1: સુકામેવા અન્નકૂટ અને મહિલા મંચ કાર્યક્રમ.
તારીખ 2: શ્રીલક્ષ્મીનારાયણ દેવનો 201મો પાટોત્સવ, સંત દીક્ષા અને ધર્મદેવ જન્મ મહોત્સવ.
તારીખ 5 (દેવદિવાળી પૂર્ણિમા): ભક્તિમાતા જન્મોત્સવ અને મહોત્સવની પૂર્ણાહુતિ.

