Panchmahal: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પંથકમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરાની સાથે બે સગીરોએ દુષ્કર્મ આચરતા દામાવાવ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ ઘટના 10 ઑક્ટોબરના રોજ સવારે લગભગ 8:30 વાગ્યે બની હતી, જ્યારે પીડિત સગીરા શાળાએ જઈ રહી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધોરણ 12માં અભ્યાસ કરતા બે સગીરાઓએ શાળાએ જતી પીડિતાને રસ્તામાં રોકી બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી તેનું અપહરણ કર્યું હતું. જે બાદ બંને સગીરાઓએ પીડિતાને નજીકના જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં એક સગીરે પહેરો આપ્યો હતો, જ્યારે બીજા સગીરે પીડિતાને મારી નાખવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાને હવસનો શિકાર બનાવ્યા બાદ બંને સગીરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પીડિતાના માતા-પિતાએ તરત જ દામાવાવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે પીડિતાના નિવેદનના આધારે બંને સગીરાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 363 (અપહરણ), 506 (ધમકી) તેમજ પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.
દામાવાવ પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરાર બંને સગીરાઓની શોધખોળ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસના સૂત્રો અનુસાર, બંને આરોપી સગીરાઓની ઓળખ મળી ગઈ છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ હૃદયદ્રાવક ઘટનાએ ઘોઘંબા પંથકમાં ચકચાર મચાવી છે. સ્થાનિક લોકો દ્વારા આ બનાવને લઈને ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તેમજ પીડિતાને ન્યાય મળે તે માટે પોલીસ પર ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
અકોટામાં સોશિયલ મીડિયા ફ્રેન્ડે વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવી
વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની સોશિયલ મીડિયા મારફતે ઉત્તર પ્રદેશના વતની અને શહેરમાં ડ્રાઈવિંગ કરતા સૌરભ પંડિતના સંપર્કમાં આવી હતી. જ્યાં ચેટિંગ અને ફોન પર વાતચીત દરમિયાન સૌરભે વિદ્યાર્થિનીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને મળવા બોલાવી હતી. જેથી વિદ્યાર્થિની મળવા પહોંચતા સૌરભ તેને દિવાળીપુર સ્થિત પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેની પર બળજબરીથી શારીરિક સબંધ બાંધીને આ વિશે કોઈને કહીશ તો ગંભીર પરિણામ ભોગવવા પડશે, તેની ધમકી આપી હતી.
આ મામલે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે આકોટા પોલીસે આરોપી સૌરભ પંડિત વિરુદ્ધ પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

