Siddhpur Katyok Mela 2025: સોમવારથી પ્રારંભ થયેલ સિદ્ધપુરના કાત્યોક મેળાનો આજે ત્રીજો દિવસ છે. આજે દેવ દિવાળી એટલે કે, કાર્તિક પૂર્ણિમાના દિવસે નદીના પટમાં જોરદાર મેળો જામ્યો છે. બિંદુ સરોવર પાસેના પ્રવેશ દ્વારથી લઈને સરસ્વતી નદીના પટ સુધીના વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો પોતાના સ્વજનની તર્પણ વિધિ કરાવવા માટે પણ આવ્યા છે.
તર્પણ વિધિ માટે બ્રાહ્મણ બિરાજમાન થયા
ચૌદશની રાત્રીથી લઇને પૂનમની સવાર સુધી ત્રિવેણી સંગમમાં અસંખ્ય લોકોએ સ્નાન કરીને તર્પણ વિધિ કરી હતી. નદી કિનારે તર્પણ વિધિ કરાવવા માટે મોટી સંખ્યામાં બ્રાહ્મણ બિરાજમાન થયા છે. જ્યારે તર્પણ વિધિ કરાવવા માટે આવનાર યાત્રિકોના મુંડન માટે ઉત્તર ગુજરાતના ગામો માંથી મોટી સંખ્યામાં નાઈ ભાઈઓ પણ આવેલા છે. બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાળુઓને વિપિસર તર્પણવિધિ કરાવીને કુવારિકા સરસ્વતી નદીમાં દીવડા તરતા મુકાવી વિધિ પૂર્ણ કરાવી રહ્યા છે. મોટી સંખ્યામાં મેળો માણવા આવેલા લોકોને કારણે તમામ બસોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ જોવા મળી રહી છે.
શ્રદ્ધાળુઓએ મોક્ષ પીપળાની પ્રદક્ષિણા કરી
કાર્તિકી પૂનમનું વિશેષ મહત્વ રહેલુ છે. આ દિવસ પિતૃઓના તર્પણ માટે પવિત્ર માનવામાં આવે છે. સિદ્ધપુરમાં તર્પણ તેમજ ફૂલ પધરામણી વિધિ કરવા માટે બનાસકાંઠા, પાટણ, રાધનપુર, સમી, હારીજ અને મહેસાણા સહિત ગુજરાતભરમાંથી લોકો ઉમટી રહ્યા છે. આ વખતે ચેકડેમમાં પાણી હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે આનંદ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સરસ્વતી નદીના કિનારે આવેલા અતિ પ્રાચિન મોક્ષ પીપળાની પ્રદક્ષિણા કરવાથી સીધો સ્વર્ગમાં વાસ મળે છે તેવી શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોક્ષ પીપળાની પ્રદક્ષિણા પણ કરી રહ્યા છે.
ત્રિવેણી સંગમ જોવા મળે છે
સિદ્ધપુરની સરસ્વતી નદીમાં વૈકુંઠ ચૌદશ-પુનમની મધ્યરાત્રે ગંગા-યમુના અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોવાથી સદીઓ જૂની પૌરાણિક માન્યતાને લઈ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજયભરમાંથી આ દિવસોમાં તમામ સમાજના લોકો તર્પણ વિધિ કરાવી ઋણ મુક્ત બને છે અને ત્યારબાદ આવનાર યાત્રિકો મેળાની રંગત માણતા હોય છે.

