Rajkot: રવિવારના રોજ પાણીપુરી ખાવા નીકળેલી એક મહિલાની હત્યા કરાયેલો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં હત્યારાને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જેમાં મહિલાનો હત્યારો બીજુ કોઈ નહીં, પરંતુ તેનો જ પતિ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટમાં રહેતી સ્નેહા આસોડિયા (32) નામની મહિલા ગત રવિવારના રોજ પાણીપુરી ખાવાનું કહીને ઘરેથી નીકળી હતી. જ્યાંથી તે ઘરે પરત ના ફરતા શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન ઘર નજીકથી સ્નેહાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટરાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા શંકાની સોય મૃતકના પતિ પર જઈ અટકી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન પતિ હિતેશ આસોડિયા ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
હત્યારા પતિએ પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા અને માથાકૂટ ચાલતી હતી. પત્ની નાની-નાની વાતોમાં કજિયો કરતી હતી. રોજિંદા ઘરકંકાસથી કંટાળીને તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું.
હત્યાના અંજામ વિશે વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે, પતિનો ગુસ્સો એટલો ચરમસીમા પર હતો કે તેણે આવેશમાં આવીને પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તેણે પત્નીના માથા અને મોઢાના ભાગે ગંભીર ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પતિની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઘરેલુ કંકાસ કેવા કરુણ અંજામ સુધી પહોંચી શકે છે.

