Rajkot: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી, રાજકોટમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની મહત્ત્વની બેઠક મળી

BLOના થઈ રહેલા મૃત્યુ તેમજ સ્વદેશી અભિયાન ઉપરાંત આગામી કાર્યક્રમો અને સ્વરાજ્યની ચૂંટણી અંગેની નવી રણનીતિ અંગેની માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 24 Nov 2025 05:28 PM (IST)Updated: Mon 24 Nov 2025 05:28 PM (IST)
rajkot-news-bjp-saurashtra-zone-meeting-discussion-on-blo-death-and-local-body-polls-643784
HIGHLIGHTS
  • SIRની કામગીરીના કારણે ચૂંટણીઓ પાછી ઠેલાય તેવી શકયતાઓ
  • બી.એલ.સંતોષ, રત્નાકર, પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા સહિતના નેતાઓએ કલાસ લીધો

Rajkot: રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોન હેઠળ આવતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 15 શહેર અને જિલ્લાના સંગઠનના હોદેદારો સાથે આજે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સૌરાષ્ટ્ર ઝોનના સાંસદ અને મહામંત્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભાજપના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

આ બેઠકમાં પક્ષના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવેલ તેમજ શહેર જિલ્લા પ્રમુખની અને પ્રદેશ પ્રમુખની વરણી થઈ ગયેલ હોય સંગઠનના અન્ય હોદ્દેદારોની નિયુક્તિ તેમજ નવી રચના સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ નજીકમાં હોય પક્ષ દ્વારા નવા સંગઠનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવાની હોવાથી તેમજ SIRની કામગીરીના કારણે ચૂંટણીઓ પાછી ઠેલાય તેવી શકયતાઓ જોવાઈ રહી છે. જેથી ભાજપ દ્વારા કાર્યકરોને ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવે અને આ પ્રકારની સંગઠનની પ્રવૃતિઓ તૈયાર કરી શકાય તે પ્રકારનું આયોજન અને માર્ગદર્શન બેઠકમાં આપવામાં આવ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષની મુલાકાત સમયે મંત્રી મંડળના વિસ્તરણ બાદ શહેરના માળખાઓ અને સંગઠનોમાં તેનો કેવો અણસાર જોવા મળ્યો છે તેનો ચિતાર મેળવવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનમહામંત્રી રત્નાકરજી સહિતના રાજકોટ કમલમ ખાતે પધાર્યા હતાં અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનો ધમધમાટ શરૂ થતાં સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે નવા કેટલાક સંગઠન લક્ષી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.

આ મુદ્દે શહેર ભાજપ અધ્યક્ષ ડો.માધવ દવેએ જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દેશના અલગ અલગ રાજ્યોની મુલાકાત લેતાં હોય છે અને સંગઠન માળખામાં નવા ફેરફારો તેમજ નવી દિશા માટેના માર્ગદર્શન સંદર્ભે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે પધાર્યા છે. ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતનાં આગેવાનોએ આજરોજ રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મતદાર યાદી સુધારણા બીએલઓના થઈ રહેલા મૃત્યુ તેમજ સ્વદેશી અભિયાન ઉપરાંત આગામી કાર્યક્રમો અને સ્વરાજ્યની ચૂંટણી અંગેની નવી રણનીતિ અંગેની માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્યો ઉપરાંત ભાજપના નવા જુના જોગીઓ તેમજ પ્રમુખો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.