Rajkot: શિયાળાની ઠંડીએ જોર પકડતા જ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાં સ્કૂલના મેદાનમાં મિત્રો સાથે વૉલીબોલ રમી રહેલા યુવકનું અચાનક હ્રદય થંભી જવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવના પગલે યુવાનના પરિવારમાં અને મિત્રવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધોરણ 12માં અભ્યાસ કરતો આદિત્ય અલ્કેશ વાછાણી (ઉં.વ. 18, રહે.ક્રિસ્ટલ મોલ પાછળ)ને સ્પોર્ટ્સમાં ખાસ રૂચિ હતી. ગઈકાલે સાંજના સમયે આદિત્ય તેના સહપાછી મિત્રો સાથે રૈયા ચોકડી નજીક આવેલી SNK સ્કૂલના મેદાનમાં વોલીબોલ રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક આદિત્યન મેદાન પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.
આથી સાથી મિત્રો તાત્કાલિક આદિત્યને નજીકમાં આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને આદિત્યને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. જેમણે આદિત્યના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.
પ્રાથમિક તપાસમાં મૃતક આદિત્ય માતા-પિતાનો એક માત્ર દીકરો હતો. જેના પિતા અલ્કેશભાઈ મેટોડા ખાતે ફેક્ટરી ધરાવે છે. એકના એક પુત્રનું હાર્ટ એટેકથી અકાળે નિધન થતાં વાછાળી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

