Surat: સુરતના લાલગેટ વિસ્તારમાંથી ચાર વર્ષના બાળકનું અપરહણ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન આ ગુનામાં એક મહિલાને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વલસાડથી ઝડપી પાડી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ચોકબજાર રાજમાર્ગ પર આવેલા ઇન્ડિયા બેકરી પાસે ફૂટપાટ પર રહેતા સાહિસ્તા અકબર સદાહત શેખના 4 વર્ષના પુત્રનું કોઈ અપહરણ કરી ગયું હતું. મહિલાનો પતિ કામ અર્થે બહાર હતો અને મહિલા પોતાના અન્ય એક નાના બાળકને લઈને કોઈ વસ્તુ લેવા ગઈ હતી. આ સમયે તેનો 4 વર્ષનો પુત્ર ફૂટપાથ પર સૂતો હતો, ત્યારે કોઈ બાળકનું અપરહણ કરી ગયું હતું.
દીકરો ગુમ થઇ જતા માતા-પિતાએ આજુબાજુમાં શોધખોળ કરી હતી તેમજ સગા સબંધીઓને ત્યાં પણ શોધખોળ કરી હતી, પરંતુ બાળકની કોઈ ભાળ ના મળતા આખરે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
આ બનાવની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાંચની 7 અધિકારીઓ તેમજ 50થી વધુ કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસે અલગ-અલગ વિસ્તારના 800થી વધુ CCTV ફૂટેજ પણ તપસ્યા હતા. આ દરમ્યાન એક મહિલા બાળકને લઈને જતી CCTVમાં કેદ થઈ ગઈ હતી.
આથી પોલીસ દ્વારા નવસારી, અમલસાડ, બીલીમોરા, ડુંગરી, વલસાડ, વાપી અને મુંબઈ તથા સુરતથી કીમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ તેમજ વડોદરા સુધી પોલીસની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન પોલીસને અપહરણ કરનારી મહિલા વલસાડ જિલ્લાની લીલાપુર ગામની સુરેખા સંજય નાયકા હોવાની માહિતી મળી હતી.
પોલીસે લીલાપોર ગામ ખાતે જઈને તપાસ કરતા મહિલા બાળક સાથે આસમ રાજ્યમાં ભાગી જવાની છે, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લીલાપોર ગામ ખાતેથી સુરેખાબેન સંજયભાઈ નાયકા (50)ને ઝડપી પાડી હતી અને સહી સલામત રીતે 4 વર્ષના બાળકનો કબજો મેળવ્યો હતો.
વધુમાં મહિલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ગત 26 સપ્ટેમ્બરના રોજ વલસાડથી નીકળી વડોદરા, હાલોલ, પાવાગઢ ખાતે ગઈ હતી, ત્યાં પણ તેણે બાળકનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને કોઈ સફળતા ના મળતા તે સુરત આવી હતી.
જ્યાં રવિવારી બજારમાં તેમજ ફૂટપાથ પર આંટાફેરા મારતી હતી. આ દરમ્યાન ફૂટપાથ ઉપર એક નાનો છોકરો સૂતેલો દેખાતા તેની આજુબાજુમાં કોઈ ના દેખાતા આ બાળકનું અપરહણ કરીને લઇ ગઈ હતી

